Mysamachar.in-અમદાવાદ
રાજયમાં છેતરપિંડીના બનાવો દિવસેને દિવસે ખૂબ જ વધી રહ્યા છે. એવામાં અમદાવાદનો એક બનાવ સામે આવ્યો છે. જેમાં એક ગેંગ અમદાવાદ અને ગુજરાતના અલગ અલગ જિલ્લામાં સસ્તું સોનું આપવાની લાલચ આપીને સોનાની લેતીદેતી કરતી વખતે નકલી પોલીસ બનીને રેડ કરી લોકોને લૂંટી લેતી હતી. અમદાવાદની રામોલ પોલીસે આ ગેંગના કેટલાક માણસોનો ઝડપી લીધા છે. અમદાવાદ શહેરમાંથી રાજયના અલગ અલગ જિલ્લામાં ‘અમારી પાસે કસ્ટમનું સોનું છે, જે તમને સસ્તા ભાવે મળશે.’ તેમ કહીને રૂપિયા લઈ સોનું લેવા માટે આવેલા હોય ગ્રાહકને બનાવટી પોલીસ બની ધમકાવીને તેની પાસે રહેલા રૂપિયા પડાવી લેતી એક ગેંગના સાત આરોપીઓની શહેરના રામોલ પોલીસે ધરપકડ કરી છે.
રામોલ પોલીસને બાતમી મળી હતી તેનાં આધારે વૉચ ગોઠવી એક્સયૂવી કાર ચાલક આવતા તેની અટકાયત કરી અને તેની પૂછપરછ કરી હતી. કારમાં એક મહિલા સહિત સાત લોકો સાથે હતા. ડ્રાઇવરને સીટ પર બેઠેલા ગાડી ચાલક ઈસમે પોતે અમરાઈવાડીમાં પી.એસ.આઈ. હોવાની ઓળખ આપતા પોલીસે તેનું આઈકાર્ડ માંગેલું. જેમાં પી.એસ.આઈના કાર્ડમાં જે બકલ નંબર હોય તે લખેલો ન હોવાથી આઈકાર્ડ બનાવટી હોવાનું સાબિત થયું હતું. તે પછી પોલીસે તમામ આરોપીઓની સઘન ઉલટ તપાસ કરી પૂછપરછ કરી હતી. હવે આગળની કાર્યવાહી પોલીસ દ્વારા શરૂ કરવામાં આવી રહી છે.