Mysamachar.in-અમદાવાદ:
સાસુ હંમેશા ટકટક અને ટોકટોક જ કરે, એવું ઘણી બધી વહુઓ માનતી અને મનાવતી હોય છે. બીજી બાજુ, ઘણી સાસુઓ એમ કહેતી હોય છે કે, વહુઓ નકટી હોય છે ! ગમે એટલી વાર નાક કાપો, કરવું હોય એમ જ કરે, કરવું હોય એટલું જ કરે ! આ પ્રકારની રકઝક ખાસ કરીને કાઠિયાવાડી ઘરોમાં અને ટીવી સીરિયલમાં મોટાં પ્રમાણમાં જોવા મળે છે ! અને, આવી બબાલોમાં ઘણી વખત કાળા જાદુની પણ કહાનીઓ ઘડાતી અને રચાતી રહેતી હોય છે ! આવો એક કિસ્સો પોલીસ સ્ટેશન પછી અદાલતમાં અને ત્યાંથી ફરી પોલીસ સ્ટેશનમાં પહોંચ્યો ! આ કિસ્સો અમદાવાદ શહેરનો છે.
ભારતીય દંડ સંહિતા એટલે કે, IPC માં એક કલમ છે જેનો નંબર 44 છે. આ કલમમાં ક્ષતિ શબ્દ છે, જેને ઇજાનાં અર્થમાં સમજવાનો રહે છે. કોઈનાં શરીરને, મનને, પ્રતિષ્ઠાને અથવા સંપત્તિને નુકસાન પહોંચાડવાના ઈરાદા સાથે કોઈ કૃત્ય આચરવામાં આવે અથવા એવાં શબ્દો બોલવા લખવામાં આવે- તેવાં કિસ્સાઓમાં આ કલમ 44 અંગે પણ વિચાર થતો હોય છે. અમદાવાદનાં આ કેસમાં IPC ની કલમ 44 નો પણ ઉલ્લેખ કરવામાં આવ્યો છે.
મોટેરામાં પરણેલી એક પરણિતા સાસરિયાઓ સાથેનાં ડખ્ખાને કારણે હાલ અમદાવાદમાં નારણપુરા વિસ્તારમાં માવતરે છે. તેણીને સાસુ સાથે બનતું નથી. સાસુએ વહુ વિરુદ્ધ કાળો જાદુ આચરવાની ફરિયાદ નોંધાવી ! જો કે, આ પરિવારો માટે કેસ તથા ફરિયાદો નવી વાત નથી !
આ કેસમાં ગાંધીનગરની અદાલતે અમદાવાદની ચાંદખેડા પોલીસને હુકમ કર્યો છે કે, આ મહિલા(પુત્રવધૂ) વિરૂદ્ધ ફરિયાદ નોંધવામાં આવે. તેણીની સાસુ કહે છે, વહુ કાળો જાદુ જાણે છે. કાળો જાદુ આચર્યો છે ! નિષ્ઠા નામની આ મહિલાને સાસરિયાઓ સાથે ઘણાં સમયથી મતભેદો અને વિવાદો છે. તેણીએ સાસરિયાઓ વિરુદ્ધ ત્રાસની ફરિયાદ પણ નોંધાવેલી છે.
કાળા જાદુની ફરિયાદ નોંધાવવા સાસુ પ્રથમ પોલીસ સ્ટેશન ગયેલાં પરંતુ પોલીસે કહ્યું: જાદુ અમારો વિષય નહીં. ફરિયાદ નોંધવા ઈન્કાર કર્યો. અદાલતમાં જવા સલાહ આપી. સાસુ ગાંધીનગર અદાલતમાં પહોંચી ગયા. અદાલતે આખી વાત જાણી. પછી, પોલીસને હુકમ કર્યો કે, આ મહિલા (સાસુ)ની ફરિયાદ લઇ લ્યો. પોલીસે IPC ની કલમો 452, 506(2) અને ગુજરાત પોલીસ એકટ (GP act)ની કલમ 135 મુજબ વહુ નિષ્ઠા વિરુદ્ધ ફરિયાદ દાખલ કરી.
સાસુએ ફરિયાદ સંદર્ભે ગત્ 23 જૂલાઈનાં CCTV ફૂટેજ રજૂ કરી, પોલીસને કહ્યું: મારી વહુ વિરુદ્ધ ફોજદારી કાર્યવાહી થાય એમ હું ઈચ્છું છું. ફૂટેજમાં દેખાય છે કે, મધરાત બાદ વહુ નિષ્ઠા પોતાની સાસુના મકાનમાં પ્રવેશે છે. સાસરિયાંના ઘરમાં વાળનો ગુચ્છો મૂકે છે ! તેની બાજુમાં ચાર લીંબુ મૂકયા અને તેમાં બાકસની ચાર દીવાસળી ખોંસી. અને ત્યાં એક બટેટુ મૂકી તેમાં છે અગરબત્તી સળગાવી.
વહુ નિષ્ઠાએ આ બધી ચીજો સાથે પોતાનાં દિયરનો ફોટો પણ મૂક્યો હતો તેથી સાસુ કહે છે: વહુ મારો તથા મારાં પરિવારનાં કોઈ સભ્યનો કાળા જાદુની મદદથી જીવ લેવા ઈચ્છે છે ! આ ફૂટેજ નાં આધારે આ કેસમાં IPC ની કલમ 44 ઉમેરવામાં આવશે એવું જાણવા મળી રહ્યું છે. આ કેસ આ પંથકમાં રસપ્રદ બન્યો છે.