Mysamachar.in-જામનગર:
ઘણાં નગરજનો હળવી રમૂજ ખાતર અથવા તીવ્ર કટાક્ષમાં ઘણી વખત આ શહેરને ટ્રાફિક જામ(નગર) પણ કહે છે.! આ નગરજનોની લાગણી અને પ્રતિક્રિયાઓ એકદમ વાજબી છે. પરંતુ આ સમસ્યાનો ઉકેલ સોઈની જગ્યાએ તલવારના ઉપયોગથી શોધવો વાજબી કેવી રીતે લેખી શકાય.?! જામનગરમાં આવું ઘણી વખત બને છે.! પોલીસનાં ઉચ્ચ અધિકારીઓએ ટ્રાફિક પૂર્વવત કરાવવા છેક ત્યાં સુધી લાંબા થવું પડતું હોય છે ! આવાં સમયે ટ્રાફિક બ્રાંચ ક્યાં હોય છે ? તેઓ શું કરતાં હોય છે ?! તેઓનાં કાર્યક્ષેત્રમાં આવું વારંવાર શા માટે બનતું હોય છે.?
ખરેખર તો ટ્રાફિક બ્રાંચ પર SP નો ખૌફ હોવો જરૂરી છે, કેમ કે જામનગરમાં ટ્રાફિક જામ સમસ્યા દાયકાઓ જૂની છે ! જે ઉકેલવામાં કોઈને રસ પડયો હોય, એવું નગરજનોએ ક્યારેય જોયું નથી ! હા, નગરજનોએ એવું ઘણી વખત જોયું છે કે ટ્રાફિક જામ જેવી રૂટિન સમસ્યા નિવારવા ટ્રાફિક હવાલદારની ભૂમિકા એસ.પી અને ડીવાયએસપી જેવાં ઉચ્ચ અધિકારીઓએ ભજવી હોય.! આ ઉચ્ચ અધિકારીઓ પાસે કેટલાં મહત્વનાં કામો હોય છે. તેઓએ આવી બાબતોમાં હેરાન થવું પડે એ વાજબી ન લેખાય. જ્યાં સોઈની જરૂર હોય, સોઈથી જે કામ થઈ શકતું હોય ત્યાં શાણા લોકો તલવારનો ઉપયોગ ન કરે. એવી એક લોકોક્તિ પણ છે.
નાગનાથ ચાર રસ્તા સ્મશાન અને અંબર ચોકડી- સુભાષ બ્રિજ માર્ગોને જોડતાં, નાગનાથ નાકાં પર વારંવાર ટ્રાફિક જામ થઈ જાય છે ! અકસ્માત અને ઝઘડાઓ પણ થાય છે. લોકોને ઇજાઓ પણ પહોંચે છે. વાહનોને નુક્સાન પણ થાય છે. આવું બધું થાય છે શા માટે ?! જવાબ સ્પષ્ટ છે. જામનગરમાં ક્યારેય ટ્રાફિક પોલીસ ઇન્સ્પેકટર તરીકે મૂકાતાં અધિકારીઓ બાહોશ કે કામ પ્રત્યે ફરજનિષ્ઠ જોવા મળ્યા નથી ! ટ્રાફિક પોલીસને ખંભાળિયા હાઈવે તરફનાં હવાપાણી વધુ માફક આવે છે. વચ્ચે વચ્ચે રાજકોટ રોડ પર ચક્કર મારી લ્યે. નાસ્તા પાણી કરી, પેટ પર હાથ ફેરવી લ્યે ! શહેર આખું રેઢું ! પરચૂરણ છોકરાંઓને હવાલે ! ખરેખર તો એસપીએ ટ્રાફિક બ્રાંચમાં કોઈ બાહોશ, ફરજનિષ્ઠ અને ખૂબ જ કડક અધિકારી ક્યાંકથી શોધી કાઢવા જોઈએ, એવું પણ લોકો ઈચ્છે છે. આ માટે જનપ્રતિનિધિઓની હેલ્પ પણ લઈ શકાય.
જામનગરમાં નાગનાથ ગેઈટથી માંડીને છેક સુભાષ બ્રિજ સુધી કાયમ માટે અવ્યવસ્થા હોય છે. ઇકો વાહનો અને ખાનગી વાહનો ( ટ્રાવેલ્સની બસો સહિત)નો જમેલો ચોવીસેય કલાક હોય છે. હજારો નગરજનો પરેશાનીઓ વેઠવા મજબૂર છે ! કાલે સોમવારે પણ આ સ્થળે ટ્રાફિક કલીયર કરાવવા એસપી પ્રેમસુખ ડેલુએ જવું પડ્યું ! બોલો !!!