Mysamachar.in-દેવભૂમિ દ્વારકા:
“તમારા ભરોસે ચૂંટણી લડવા નીકળ્યો છું, મને કલ્યાણપુર તાલુકાનાં લોકો જબરદસ્ત સમર્થન આપશે તેવા વિશ્વાસ સાથે મારા લોકોએ મને સ્વીકાર્યાનો આનંદ થશે અને સંસદમાં તમારા કારણે જવાનું થશે તો હું નહીં,પરંતુ કલ્યાણપુર તાલુકાની જનતા સાંસદ હશે” આવા ભાવુક શબ્દો સાથે કલ્યાણપૂરના ભાટીયા ખાતે કોંગ્રેસના ઉમેદવાર મુળુભાઇ કંડોરીયા જંગી જાહેરસભામાં સંબોધન કરતા વિશાળ જનમેદનીએ આ બોલ ઝીલીને સંસદમાં કલ્યાણપુર તાલુકાનાં પનોતાપુત્ર એવા મુળુભાઇ કંડોરીયાને સમર્થનની ખાતરી સાથે જંગી મતદાન કરવાનું વચન આપ્યું હતું,

દેવભૂમિ દ્વારકા જિલ્લાના કલ્યાણપુર તાલુકાના ભાટીયા ખાતે ગઇકાલે કોંગ્રેસના ઉમેદવાર મુળુભાઇ કંડોરીયા સહિતના કોંગ્રેસના દિગ્ગજ આગેવાનોની હાજરીમાં મધ્યસ્થ ચૂંટણી કાર્યાલય બહોળી સંખ્યામાં લોકોની હાજરી વચ્ચે ખુલ્લુ મુકવામાં આવ્યું હતું, ત્યારે મોટી સંખ્યામાં ભાજપના કાર્યકરો કોંગ્રેસમાં જોડાતા ભાજપને મોટો ફટકો પડ્યો છે,

ભાટીયા ખાતે કોંગ્રેસના મધ્યસ્થ ચૂંટણી કાર્યાલયના ઉદઘાટન બાદ જંગી જાહેરસભાનું પણ આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં મોટી સંખ્યામાં આજુબાજુના ગામોમાંથી લોકો સ્વયંભૂ ઉમટી પડ્યા હતા અને કોંગ્રેસના આગેવાનો દ્વારા પોતાના પ્રવચનમાં ખાસ કરીને ભાજપ શાસનમાં ખેડૂતો, ગરીબો અને મધ્યમ વર્ગ કેટલો પરેશાન હોય આ ત્રાસમાંથી છુટકારો મેળવવા માટે આગામી તારીખ ૨3ના રોજ પંજાના નિશાન પર બટન દબાવીને કોંગ્રેસને જીત આપવા માટે જંગી મતદાન કરવા અપીલ કરી હતી,

તો કલ્યાણપુર અને દ્વારકામાં ભાજપમાં ભૂકંપ સર્જાયાની સ્થિતિ વચ્ચે અનેક આગેવાનો કોંગ્રેસમાં જોડાયા છે,જેમાં દ્વારકામાં પણ કોંગ્રેસના ઉમેદવાર મુળુભાઇ કંડોરીયાના સમર્થનમાં જાહેરસભાનું આયોજન કરવામાં આવ્યું હતું,જ્યાં ભાજપમાંથી કોંગ્રેસમાં મોટી સંખ્યામાં આગેવાનોએ પંજાનો હાથ પકડ્યો હતો. જેમાં ઓખા ન.પા.ના પૂર્વ પ્રમુખ બાલુભા કેર,ઓખા ન.પા.ના પૂર્વ પ્રમુખ સુભાષ લશ્કરી,ઓખા ન.પા.ના પૂર્વ ચેરમેન મામદ સમેજા,ઓખા ન.પા.ના પૂર્વ ચેરમેન અશ્વિન ટાંક, સામાજિક કાર્યકર કિશન વિઠ્ઠલાણી,સામાજીક કાર્યકર પાલાભા માણેક,ઓખા પ્રજાપતિ સમાજના પૂર્વપ્રમુખ સાજણ ધોકીયા,પૂર્વ તાલુકા ઉપપ્રમુખ જીવણભાઇ જોધાવા, દ્વારકા તાલુકા અનુ.જાતિ મોરચાના પ્રમુખ રામભાઇ ચાંસિયા,વરવાળા મેમણ જમાતના પ્રમુખ તારમામદ જીવાણી, શિવરાજપુરના હરેશભાઈ નાયાણી અને જયસુખ ગોહિલ સહિતના અગ્રણીઓ ગઇકાલે આગેવાનોના હસ્તે ખેસ ધારણ કરી કોંગ્રેસમાં પ્રવેશ મેળવ્યો હતો.પ્રજાને નેતાઓની શાન ઠેકાણે લાવતા આવડે છે:ધારાસભ્ય પ્રવીણ મુછડીયા
કાલાવડ વિસ્તારના ધારાસભ્ય પ્રવીણભાઈ મુછડીયાએ જણાવ્યું હતું કે, કોંગ્રેસના ઉમેદવાર મુળુભાઇ કંડોરીયા લોકોની ચિંતા કરવાવાળા નેતા છે, ખેડૂતપુત્ર હોવાથી ખેડૂતોની પરિસ્થિતિ સમજી શકે છે, મુળુભાઇ દિલ્હી જશે તો લોકોના દુઃખ-દર્દ દૂર થશે અને ભાજપ પર આકરા પ્રહારો કરતા જણાવ્યું હતું કે, આજે મહિલાઓ સલામત નથી, કોણ રક્ષણ કરશે તેની ચિંતા છે. તેવામાં ભાજપ રામ મંદિરના નામે મત માંગે છે, પરંતુ રામ મંદિર ક્યારે બનશે તેની તારીખ જાહેર કરતા નથી. ભાજપના શાસનમાં બેરોજગારીના કારણે ગામડાઓ ભાંગી રહ્યા છે તે સહિતના મુદ્દે ભાજપ પર આકરા પ્રહારો કર્યા હતા અને આડકતરી રીતે ઈશારો કરીને પ્રજાને નેતાઓની શાન ઠેકાણે લાવતા આવડે છે જે ધ્યાને લઈને પુનરાવર્તન નહીં, પરીવર્તન લાવીને મુળુભાઇ કંડોરીયા જંગી મતોથી વિજેતા બનાવવા માટે જંગીમેદનીમાં અપીલ કરી હતી,

ભાજપે કામ નથી કર્યું એટલે કોંગ્રેસના ધારાસભ્યોને ઉછીના લઈને મંત્રી બનાવવા પડે છે:વિક્રમ માડમ
ખંભાળિયાના ધારાસભ્ય વિક્રમભાઈ માડમે પણ પોતાના તેજાબી અંદાજમાં ભાષણ કરતા જણાવ્યું હતું કે, ચોકીદાર દિવસમાં ચાર વખત થોડા કપડા બદલાવે તેવી ટીકા કરીને ચોકીદારે કપડા બદલાવવામાં સમય કાઢવા કરતા દેશ માટે આ સમય દરમિયાન કામ કર્યું હોત તો કોંગ્રેસના ધારાસભ્યોને ઉછીના લઈને મંત્રીના બનાવવા ના પડે તેવા પ્રહારો કરીને ભાજપે કામ નથી કર્યું એટલે મતદારોને ભાજપના ધારાસભ્ય ધમકી આપવા સુધી ઉતારી આવ્યા છે, ૨૦૧૪ પહેલા મગફળીના ભાવ ૧૨૦૦ અને અત્યારે સરકાર ટેકાના ભાવે મગફળીની ૧૦૦૦ના ભાવે ખરીદી કરે છે આ નિતી ખોટી છે, એવો આક્ષેપ કર્યો હતો અને સત્તામાં હોય તેનો હિસાબ લેવાનો બધાને અધિકાર છે એટલે હિસાબ માંગી છીએ, પરંતુ ભાજપ આડા પાટે ચડાવીને કોંગ્રેસને ખોટી રીતે બદનામ કરે છે. વિક્રમ માડમે સ્થાનિક પ્રશ્નો જેવા કે ખંભાળિયા હોસ્પિટલ માટે ૮૦ કરોડ ખર્ચ કર્યો,

પરંતુ ડોક્ટરની સુવિધા નથી. ધરમપુર ગામ માટે કરોડો રૂપિયાની પાણીની લાઈન મંજૂર કરાવી, પરંતુ ભાજપે ગ્રાન્ટ ન વાપરતા પરત ચાલી ગઈ તે સહિતના મુદ્દે આક્રમક બનીને જણાવ્યું હતું કે ગુજરાતમાં ભાજપની સરકારે ત્રણ લાખ કરોડનું દેણું કરીને ગુજરાત ગીરવે મૂકી દીધું છે અને આ દેણું આપણી આવનારી પેઢીને ચૂકવવું પડશે, ત્યારે કોંગ્રેસ માટે પ્રજા જ તેની મંત્રી અને મિનિસ્ટર છે અને ઉનાળામાં ગરમીનો વિચાર કર્યા વગર ૧૫ મિનિટ મતદાન માટે ફાળવીને 5 વર્ષ માટે ચિંતામુક્ત થવા મુળુભાઇ કંડોરીયાને જીતાડવા માટે જંગી મતદાન કરવાની જનમેદનીને વિક્રમભાઈ માડમે હાકલ કરી હતી,

પાકવીમાનો સરકાર પાસે હિસાબ નથી, આ ખેડૂત વિરોધી સરકાર છે:પાલભાઈ આંબલીયા
કોંગ્રેસ કિસાન મોરચાના અગ્રણી પાલભાઈ આંબલીયાએ પણ ભાજપની સરકારને ખેડૂત વિરોધી ગણાવી હતી અને ગાંધીનગર કૃષિભવનની કચેરી ખાતે પાકવીમાનો હિસાબ માટે ગયા ત્યારે સરકાર પાસે પાકવીમાના હિસાબનો કોઈ જવાબ નથી, ત્યારે ખેડૂતોથી સરકાર દૂર ભાગે છે, તો ખેડૂતોએ પણ તેની પાછળ ન જવાની સલાહ આપી હતી અને જમીન માપણીમાં કેવા ગોટાળા થયા છે તેનાથી સૌ કોઈ વાકેફ છે. ત્યારે આ શાસન ખેડૂત વિરોધી હોય કોંગ્રેસના ઉમેદવાર મુળુભાઇ કંડોરીયા જેવા ખેડૂત પુત્ર જ ખેડૂતોનું દુ:ખ-દર્દ સમજી શકે, તે વાત પર ભાર મૂકીને ખેડૂત વિરોધી ભાજપને પરચો આપવાનો સમય પાકી ગયો છે,

કાલાવડમાંથી કોંગ્રેસને ૨૫૦૦૦ની લીડ મળશે:જે.ટી.પટેલ
જાહેરસભામાં વિશાળ જનમેદનીને સંબોધન કરતા જામનગર જિલ્લા કોંગ્રેસના પ્રમુખ જે.ટી.પટેલે જણાવ્યુ કે, એક સમય એવો હતો કે કાલાવડમાં ભાજપ પૂતળુ ઊભું રાખે તો ચૂંટાઈ જતુ હતું, પરંતુ કોંગ્રેસના આગેવાનો થાક્યા નહીં અને પ્રજાના પ્રશ્નો માટે લડત કરતા રહ્યા જેના પરિણામ સ્વરૂપે ૨૦૧૫માં કાલાવડ તાલુકા પંચાયત અને જિલ્લા પંચાયતની ૪ સીટો પર કોંગ્રેસને સફળતા મળી છે, ત્યારે કાલાવડ તાલુકા પંચાયતના ૯ જેટલા કોંગ્રેસના સભ્યો પક્ષપલ્ટો કરીને ભાજપમાં જોડાતા આ સભ્યો સામે ગામેગામ નારાજગી સાથે ભારે આક્રોશ છે,અને આ આક્રોશ લોકસભાની ચૂંટણીમાં જોવા મળશે ત્યારે વિધાનસભાની ચૂંટણીમાં કોંગ્રેસને કાલાવડમાંથી ૨૨,૦૦૦ની લીડ હતી, જે આ વખતે લોકસભામાં કોંગ્રેસને ૨૫,૦૦૦ની લીડ મળશે તેવી જે.ટી.પટેલે ખાતરી આપી હતી, ત્યારે કલ્યાણપુરની જનતા પણ કોંગ્રેસને લીડ અપાવવામાં પાછી ન પડે તેવી ટકોર પણ જે.ટી.પટેલે કરી,

ખેડૂતો માટે કોંગ્રેસ અલગ કૃષિ બજેટની જોગવાઈ કરશે:ડો.રણમલ વારોતરીયા
કોંગ્રેસના પૂર્વમંત્રી ડો.રણમલભાઈ વારોતરીયાએ સંબોધન કરતા જણાવ્યુ હતું કે, મોદીએ ૧૫ લાખ આપવાનુ,2 કરોડ લોકોને રોજગારી આપવાનું,ખેતીની આવક બમણી કરવાના વાયદા કર્યા હતા,પરંતુ હજુ સુધી પૂરા થયા નથી. ખેડૂતો પાકવીમાથી વંચિત છે, જમીન માપણીના ગોટાળા સહિતના મુદ્દે ભાજપ પર પ્રહારો કર્યા હતા અને દેવભૂમિ દ્વારકા જીલ્લામાં હું મંત્રી હતો ત્યારે ૧૦ ડેમો મંજૂર કરાવ્યા હતા, તેનો ખેડૂતો આજે પણ લાભ લે છે. ભાજપે ડેમ બનાવ્યા હોય તો દાખલો આપે તેવી ટકોર કરીને ભાજપ માત્ર વાયદા કરે છે કામ કરતી નથી, અને કેન્દ્રમાં કોંગ્રેસ શાસનમાં આવશે તો દરેક ગરીબના ખાતામાં ન્યાય યોજના હેઠળ ૭૨,૦૦૦ મળશે, ઉપરાંત કોંગ્રેસ ખેડૂતો માટે અલગ કેન્દ્રીય કૃષિ બજેટની જોગવાઈ કરશે તે વાત નક્કી છે,

ખેડૂતો માટે કામ કરતાં મુળુભાઇને જોયા છે:ભીખુભાઈ વારોતરીયા
ગુજરાત કોંગ્રેસના પ્રદેશ અગ્રણી અને આહીર સમાજના આગેવાન ભીખુભાઈ વારોતરીયાએ પણ મુળુભાઇ કંડોરીયા વિશે વાત કરતા જણાવ્યુ હતું કે,તેમણે હંમેશા ખેડૂતોની ચિંતા હોય છે અને ખેડૂતો માટે કામ કરતા મુળુભાઇને જોયા છે, ઉપરાંત શિક્ષણક્ષેત્રે પણ કામ કરી રહ્યા છે, જેનો લાભ કલ્યાણપુર તાલુકાની જનતાને મળી રહ્યો છે. તેનાથી સૌકોઈ પરિચિત છે અને ભાજપનું શાસન આવ્યું ત્યારથી ખેડૂતોને નુકશાન થઈ રહ્યું છે.ખાતરના ભાવમાં વધારો, પાકવીમાનો પ્રશ્ન, ખેડૂતોને ખેતપેદાશના ભાવો મળતા નથી, સિંચાઇની ગ્રાન્ટો ખવાઇ જાય છે અને મગફળી ખરીદીમાં પણ કટકી કરવામાં આવે છે તે સહિતના મુદ્દે ભાજપ પર પ્રહારો કરીને કલ્યાણપુર વિસ્તારમાંથી આ વખતે વધુને વધુ મતદાન કરવા પર ભાર મૂકીને મુળુભાઇને જંગી લીડ સાથે વિજેતા બનાવવા અનુરોધ કર્યો હતો.

આપણું સદભાગ્ય છે કે મુળુભાઇ જેવા ઉમેદવાર આપણને મળ્યા છે: યાસીન ગજ્જન
દેવભૂમિ દ્વારકા જિલ્લાના કોંગ્રેસના પ્રમુખ યાસીનભાઈ ગજજને પણ પોતાના વક્તવ્યમાં કોંગ્રેસના ઉમેદવાર એવા મુળુભાઇ કંડોરીયા લોકોના સુખ-દુખમાં સાથે રહે છે, દેવભૂમિ દ્વારકા જિલ્લાનું સદભાગ્ય છે કે આપણને મુળુભાઇ જેવા લોકો વચ્ચે રહેતા ઉમેદવાર મળ્યા છે,અને ભાજપના શાસન પર પ્રહાર કરતા જણાવ્યુ હતું કે સરકારી હોસ્પિટલોમાં ડોક્ટરો નથી, આથી જામનગર સુધી લાંબુ થાવું પડે છે. આ વિસ્તારમાં પાણી સહિત અનેક સમસ્યાઑ છે, સારી સ્કૂલ-કોલેજ કે એન્જીનીયરીંગ કોલેજની સુવિધા નથી, આ વિસ્તાર સમસ્યાગ્રસ્ત હોવા છતા દરવખતે ભાજપને મત આપવાની વાતો થાય છે. ત્યારે આ વખતે સમજી વિચારીને મતદાન કરવા જનતાને આહ્વાન કર્યું.
