Mysamachar.in-જામનગર:
સાયબર ક્રાઈમ કરનારાઓ છેક જામનગર નજીકના નાના એવા મેઘપર ગામ સુધી પહોંચી ગયા ! વાત અચરજ ભરેલી છે પણ આવી એક ફરિયાદ પોલીસમાં જાહેર થઈ. સમાચારોમાં અનેક વખત આવે છે કે, નાણાંની બાબતમાં અજાણ્યા લોકોનો ભરોસો કરવો નહીં. આમ છતાં લોકો ભરોસો કરે છે ! અને પછી, લૂંટાઈ ગયાની ફરિયાદો પોલીસમાં જાહેર થતી રહે છે !
આવી વધુ એક ફરિયાદ દાખલ થઈ. આ ફરિયાદ મેઘપર પડાણા પોલીસ સ્ટેશનમાં દાખલ થઈ છે. દ્વારકા જિલ્લાના કલ્યાણપુર તાલુકાના પિંડારાના વતની અને હાલ મેઘપર ગામ નજીક ખાનગી વ્યવસાય કરતાં સંજય ભીખાભાઈ લગારીયાએ પોલીસમાં એમ જાહેર કર્યું છે કે, તેમને કોઈ અજાણ નંબર પરથી કોલ આવેલો અને ફલિપકાર્ટમાંથી બોલું છું એમ કહી વાતચીત કરી.
આ વાતચીત બાદ જાણવામાં આવ્યું કે, આ કોલ કરનારે ખોટી ઓળખ આપી છેતરપિંડી કરી. ફરિયાદીને ભરોસામાં લઈ કોઈ પણ રીતે, આ કોલ કરનારે ફરિયાદીના મોબાઈલમાં OTP મોકલી, ફરિયાદી પાસે 2 વખત ઓનલાઈન ટ્રાન્ઝેક્શન કરાવી, ફરિયાદીના બેંક એકાઉન્ટમાંથી રૂ. 2,50,002 સેરવી લઈ છેતરપિંડી કરી છે તેમ ફરિયાદી કહે છે.


