Mysamachar.in:જામનગર
જામનગર શહેર નજીક મહાપ્રભુજી બેઠક પાસે ગત જુન-2021માં શિક્ષિકા પત્નીની છરીના ઘા ઝીંકી હત્યા નિપજાવવા અંગેના કેસમાં આરોપી પતિને અદાલતે તકસીરવાન ઠરાવીને આજીવન કેદની સજાનો હુકમ કર્યો છે. મળતી વિગત અનુસાર જામનગરમાં રહેતા મુળ બગસરાના વતની આરોપી પ્રફુલ્લ ભવાનભાઇ ડાભીના લગ્ન રતિલાલ વેલજીભાઇ ધારવીયાની પુત્રી નીતાબેન સાથે થયા હતા.જે લગ્ન જીવન દરમિયાન આરોપી અને મૃતક વચ્ચે અવાર નવાર ઝઘડા થતા હોવાથી મૃતક તેના પિતા સાથે રહેવા જતા રહયા હતા.
મૃતક થાવરીયા વાડી વિસ્તારમાં પ્રાથમિક શાળામાં નોકરી કરતા હોય,જેથી ગત તા.7/6/2021ના સવારે નિતાબેન થાવરીયા શાળાએ જવા માટે મહાપ્રભુજી બેઠક પાસે રાહ જોઇને ઉભા હતા જે વેળાએ અન્ય શિક્ષિકા ઇજા પામનારા પણ હાજર હોય ત્યારે સાડા સાત વાગ્યાના સુમારે આરોપી પોતાની કાર લઇ ત્યાં આવ્યા હતા અને નીચે ઉતરી નિતાબેનને છરી મારવા લાગતા વચ્ચે પડતા આરોપીએ ઇજા પામનારા અન્ય શિક્ષિકાને પણ છરી મારી હતી,ત્યારબાદ તેને ધકકો મારી દુર કરી નિતાબેનને છરીના ઘા ઝીંકી દેતા અન્ય બે શિક્ષિકા પણ આવી ગયા હતા.
આરોપીએ તેની પત્નીના અન્ય વ્યકિત સાથે પ્રેમ સંબંધ બાબતે બોલાચાલી કરી નિતાબેનને છરીઓના ઘા ઝીંકી હત્યા નિપજાવી હતી.જે સમગ્ર મામલે મૃતકના પિતા રતિભાઇ ધારવીયાએ સીટી એ ડીવીઝનમાં ફરીયાદ નો઼ધાવતા પોલીસે આઇપીસી 302 અને 324 મુજબ ગુનો નોંધી આરોપીની અટકાયત કરી કોર્ટમાં ચાર્જશીટ રજુ કર્યુ હતુ.
જે કેસ સેશન્સ અદાલતમાં ચાલી જતા ફરીયાદી,ઇજાગ્રસ્ત સાહેદ અને નજરે જોનારા અન્ય સાહેદોની જુબાની,સરકારી વકિલ દીપક ત્રિવેદીની રજુઆતો અને અન્ય દસ્તાવેજી અને મૌખિક પુરાવાઓને ધ્યાને લઇ કોર્ટે આરોપીને તકસીરવાન ઠરાવી આઇપીસી 302ના ગુનામાં આજીવન સખત કેદ તથા દશ હજારનો દંડ અને દંડ ન ભરે. તો વધુ દશ દિવસની સજા પથા આઇપીસી કલમ 324ના ગુનામાં છ માસની સજા તથા પાંચ હજારનો દંડ અને દંડ ન ભરે તો વધુ પાચ દિવસની સજાનો હુકમ ફરમાવ્યો છે.





