Mysamachar.in-જામનગર:
મહિલા સશક્તિકરણ માટે ગ્રામ્ય વિસ્તારોમાં મહિલાઓને પંચાયત સદસ્યથી માંડીને સરપંચ સુધીના પદો અપાઈ રહ્યા છે. આવી મહિલાઓના પતિઓ ગ્રામ્ય વિસ્તારોમાં ‘રાજા’ બની મહાલતા હોય છે, પોતે પદ પર ન હોય છતાં રોફ જમાવે, બધાં પ્રકારના વહીવટ કરે, નિયમો તોડી સત્તાવાર બેઠકોમાં ભાગ લ્યે, કામોમાં તોડ કરે, કોન્ટ્રાક્ટરોને દબાવે અને કામોમાં ભાગ રાખે તથા લાંચ પણ લ્યે ! મહિલાઓના નામે આવા તત્વોનું સશક્તિકરણ થઈ રહ્યું છે, શું આ બાબત સરકાર જાણતી નથી ?!
આવો વધુ એક દાખલો જામનગર જિલ્લાના કાલાવડ તાલુકામાં બહાર આવી ગયો છે. કાલાવડ તાલુકાના ભલસાણ બેરાજાના મહિલા સરપંચનો પતિ અને આ પતિનો ખાસ એવો વચેટીયો લાંચમાં ઝડપાઈ ગયા છે, જેને કારણે માત્ર કાલાવડ જ નહીં, સમગ્ર જિલ્લાના ગ્રામ્ય વિસ્તારોમાં ચકચાર મચી છે.
બેરાજા ગામના એક ધંધાર્થી પથ્થરના બેલાની ખાણ ચલાવવાનો ધંધો કરે છે, આ ધંધામાં સ્થાનિક ગ્રામ પંચાયત કચેરી તરફથી કોઈ ‘હેરાનગતિ’ કરવામાં નહીં આવે એવી ખાતરી સાથે મહિલા સરપંચના પતિએ કહ્યું હતું ગ્રામ પંચાયતનો તમામ વહીવટ હું જ કરું છું અને આ ધંધાર્થી પાસેથી રૂ. 75,000ની લાંચની માંગણી કરવામાં આવી હતી. પરંતુ આ ધંધાર્થી લાંચ આપવા ઈચ્છતા ન હતાં. આથી તેણે ACBનો સંપર્ક કરી ફરિયાદ દાખલ કરાવી.
આ ફરિયાદના આધારે રાજકોટ ACBના ઈન્ચાર્જ મદદનીશ નિયામક કે.એચ.ગોહિલના માર્ગદર્શન હેઠળ ફીલ્ડ પોલીસ ઈન્સ્પેક્ટર (ટ્રેપિંગ અધિકારી) કે.કે.વિરાણી દ્વારા આરોપીઓને ઝડપી લેવા છટકું ગોઠવવામાં આવ્યું. ત્યારબાદ, સરપંચ પતિ, વચેટીયા અને ફરિયાદી વચ્ચે આ લાંચ બાબતે હેતુલક્ષી વાતચીત થઈ, જેના આધારે જામનગર-કાલાવડ રોડ પર મોટી માટલીથી કાલાવડ તરફ જતાં માર્ગ પર લાંચની રકમની લેતીદેતી વખતે ACB ટીમ ત્રાટકી.
ACB ટીમે સરપંચ પતિ દિનેશ તેજાભાઈ જેપાર અને તેના વતી લાંચની રકમ સ્વીકારનાર વચેટીયા હમીર દેવરાજ સોલંકીને પકડી લીધાં છે. લાંચની આ રકમ આરોપીઓ પાસેથી રિકવર કરી બંનેની ધરપકડ કરી લેવામાં આવી છે. આ બનાવે કાલાવડ પંથકમાં ચકચાર જગાવી છે.