Mysamachar.in-અમદાવાદઃ
કહેવાય છે કે પતિ-પત્નીનું લગ્નજીવન એક નાજુક તારથી બંધાયેલું હોય છે, જો બંને પક્ષે ધ્યાન ન રાખવામાં આવે તો લગ્નજીવન પડી ભાંગવામાં વાર નથી લાગતી. પતિ-પત્ની વચ્ચે ઝઘડા થવા એ સામાન્ય છે, પરંતુ ઘણીવાર આ ઝઘડા મોટું સ્વરૂપ ધારણ કરી પોલીસ સ્ટેશન સુધી પહોંચી જતા વાર નથી લાગતી. આવા જ એક દંપતીની ઘરની વાત હાલ જગજાહેર થઇ છે. જેમાં 22 વર્ષે લગ્નજીવનથી કંટાળી એક પતિએ ફેમિલી કોર્ટમાં છૂટાછેડા માટે અરજી કરી છે. અહીં સુધી તો બધુ બરાબર છે, પરંતુ અરજીમાં છૂટાછેડા માટે પતિએ એવા એવા કારણ દર્શાવ્યા કે જાણીને સૌકોઇ આશ્ચર્યમાં મૂકાયા છે.
અમદાવાદમાં કુબેરનગરમાં 24 વર્ષથી સાથે રહેતા પતિ-પત્નીને બે સંતાનો છે. જો કે લગ્નને થોડા વર્ષોમાં જ પતિ-પત્ની સાથે વિખવાદ શરૂ થયો. જો કે આગેવાનો દ્વારા વચ્ચે પડી બંને વચ્ચે સમાધાન કરાવી દેવામાં આવતું. પરંતુ પાણી નાક ઉપરથી જતાં પતિએ ફેમિલી કોર્ટમાં પત્નીથી છૂટકારો મેળવવા અરજી કરી છે, અરજીમાં પતિએ જણાવ્યું કે તેની પત્ની જમવાનું બનાવતી નથી, પિયર નજીક હોવાથી અવાર નવાર ત્યાં જતી રહે છે. પતિએ વધુમાં આક્ષેપ કર્યો કે તેની પત્નીને પાડોશમાં રહેતા યુવાન સાથે આડાસંબંધ છે. એક વખત તો પત્ની અને યુવાનને કઢંગી હાલતમાં પતિએ ઝડપ્યા હતા, બાદમાં પત્નીએ માફી માગતા અને સંતાનોના ભવિષ્યનો વિચાર કરતાં સમાધાન કરી લીધું હતું. પરંતુ રંગીન મિજાજી પત્ની ચોરીછૂપી યુવાન સાથે સંબંધ રાખે છે.
પતિએ વધુમાં જણાવ્યું કે તેની પત્ની અસામાજિક પ્રવૃતિ સાથે સંકળાયેલી છે. પત્નીની માતા દારૂ વેચવાનો ધંધો કરે છે, જેમાં તેની પત્ની પણ મદદ કરી દારૂ વેચવાનું કામ કરે છે. છેલ્લા કેટલાક સમયથી પત્ની પિયરમાં જ છે અને તે ઘરે આવવા માગતી નથી, મને પરેશાન કરી રહી છે આથી મને છૂટાછેડા આપવા જોઇએ. જો કે હાલ પતિએ જ અરજી કરી છે. પરંતુ ટૂંક સમયમાં પત્નીની રજૂઆત પણ સાંભળવામાં આવી શકે છે. મોટાભાગે પતિઓના ત્રાસ અને અનૈતિક સંબંધોથી કંટાળી પત્ની દ્વારા છૂટાછેડાની માગણી કરવામાં આવતી હોય છે પરંતુ એક પતિની આવી અરજીથી શહેરમાં ભારે ચર્ચા જાગી છે.