Mysamachar.in-ભાવનગરઃ
અનૈતિક સંબંધોનો કેવો અંજામ આવે છે તેનું ઉદાહરણ આપતી ઘટના ભાવનગરના મહુવામાં બની છે. અહીં થોડા સમય પહેલા સળગેલી હાલતમાં એક માનવ કંકાલ મળી આવ્યું હતું. આ અંગે પોલીસે તપાસ કરતાં ચોંકાવનારી વિગત સામે આવી હતી, જેમાં જાણવા મળ્યું કે આ કંકાલ રાજસ્થળી ગામના 25 વર્ષિય યુવાનનું છે, મૃતક યુવકના એક પરિણીત મહિલા સાથે આડાસંબંધ હતા, એક દિવસ પરિણીત મહિલા સાથે રંગરેલીયા મનાવતો હતો ત્યારે મહિલાનો પતિ બંનેને કઢંગી હાલતમાં જોઇ ગયો હતો, જેથી રોષે ભરાયેલા મહિલાના પતિએ યુવકની હત્યા કરી સળગાવી દીધો હતો. પોલીસે આરોપી પતિની ધરપકડ કરી વધુ તપાસ હાથ ધરી હતી.
નાની રાજસ્થળીના યુવાન પાતા રાઠોડ બે દિવસથી ગુમ હોવાની બગદાણા પોલીસ સ્ટેશનમાં જાણ કરાયા બાદ મોણપરના ડુંગરાઓમાં રાખના ઢગલામાં માનવ કંકાલ મળી આવતા તેનો બગદાણા પોલીસે કબ્જો લઇ ઓળખ માટે પરિવારજનોને બોલાવતા તેમણે મૃતકને ઓળખી બતાવ્યો હતો. મૃતકના ભાઇ પ્રવિણ રાઠોડે શંકાસ્પદ 7થી 8 શખ્સો વિરુદ્ધ જીવતો સળગાવી દીધો હોવાની ફરીયાદ નોંધાવી હતી. જે દિશામાં તપાસ કરતાં જાણવા મળ્યું કે મૃતક પાતાભાઇને આરોપી રમેશ રાઠોડની પત્ની સાથે આડા સબંધ હોય તેની ગેરહાજરીમાં તે ઘરે આવી પત્ની સાથે રંગરેલીયા મનાવતો, એક દિવસ ઘરે આવેલ અને તેની પત્ની સાથે કઢંગી હાલતમાં રમેશ જોઇ જતા, રમેશે પાતાની હત્યા કરી લાશને સળગાવી દીધી હતી. પોલીસે આરોપી રમેશની ધરપકડ કરી અન્ય કોણ કોણ સામેલ છે. તે મામલે પૂછતાછ હાથ ધરી છે.