Mysamachar.in-અમદાવાદ
હાલ સમગ્ર દેશમાં લોકડાઉન ચાલી રહ્યું છે. અને લોકો ઘરમાં બેસીને સમય પસાર કરી રહ્યા છે, આ સ્થિતિ વચ્ચે કેટલાક રમુજી મેસેજ પણ સોશ્યલ મીડિયામાં પતિ પત્નીની ઘરમાં કામગીરીને લઈને રમુજ ફેલાવી રહ્યા છે, ત્યારે લોકડાઉનના સમયમાં સમય પસાર કરવા અને સોનેરી યાદો તાજી કરવા દંપતી લગ્નની સીડી જોતું હતું. પણ તેવામાં બંને વચ્ચે બોલાચાલી થઈ અને વાત મારપીટ સુધી પહોંચી હતી. જે બાદ મહિલાએ ઝેર પી લેતાં આ મામલો લોકડાઉનના સમયે પોલીસ સ્ટેશન સુધી પહોચવા પામ્યો છે,
અમદાવાદના શાહીબાગ વિસ્તારમાં લોકડાઉન હોય ટાઈમપાસ કરવા માટે પતિ પત્ની અને નણંદ લગ્નની સીડી જોતાં હતા. તે સમયે કોઈ બાબતે નણંદ અને ભાભી વચ્ચે બોલાચાલી થઈ હતી. જે બાદ પતિએ પરિણીતાને લાફો મારીને મારઝૂડ કરી હતી. આ વાતનું ખોટું લાગી આવતાં પરિણીતાએ ઝેરી દવા ગટગટાવી લીધી હતી. જે બાદ પતિ પત્નીને તેનાં પિયરે મૂકી આવ્યો હતો.પરિણીતાના ઘરવાળાને ઝેરી દવા પીધી હોવાની જાણ થતાં જ તાત્કાલિક પરિણીતાને હોસ્પિટલ ખસેડવામાં આવી હતી.
આ મામલે શાહીબાગ પોલીસમાં યુવતીના પિયરના લોકોએ પતિ અને તેના પરિવાર સામે દહેજ, અને ત્રાસ આપવા સહિતની કલમો હેઠળ ગુન્હો નોંધાવ્યો છે,. યુવતીએ નિવેદન આપ્યું હતું કે તેના પતિ અને પરિવારના લોકો અવારનવાર મારપીટ કરે છે. આ પહેલાં દહેજની માંગણી કરે હતી. તેની નણંદ પણ મ્હેણા-ટોંણા મારીને હેરાન કરે છે. પોલીસે પતિની ધરપકડ કરી છે અને આગળની કાર્યવાહી હાથ ધરી છે. જો કે પત્નીની હાલત સ્થિર હોવાનું જાણવા મળે છે.