Mysamachar.in-કચ્છ
તાજેતરમાં જ રાજ્યના ભાવનગરના એક ગામે પિતાએ તેના બે બાળકોને ગળેફાંસો આપી મોતને ઘાટ ઉતારી દીધાની ઘટના સામે આવી હતી, ત્યાં જ આજે ભુજના માંડવી તાલુકાના જખણીયા ગામમાં પરિવારના મોભીએ 3 દીકરી અને તેની પત્નીને ધારદાર હથિયારની મદદથી હત્યા કરી દીધી હતી. પરિવારના 4 સભ્યોની હત્યા બાદ હત્યારાએ પણ આત્મહત્યાનો પ્રયાસ કર્યો હતો. જોકે ગ્રામજનો આવી જતા તે ત્યાંથી નાસી છૂટ્યો હતો. સામુહિક હત્યાની ઘટનાની જાણ થતાં પોલીસ સહિતનો કાફલો ઘટનાસ્થળે દોડી ગયો છે.
જખણીયા ગામમાં રહી ખેતમજૂરીનું કામ કરી પોતાના પરિવારનું ગુજરાન ચલાવતા શિવજી પંચાણ સંઘારે તેમનો હર્યોભર્યો પરિવાર વિખેરી નાખ્યો હતો. તેમણે પોતાની પત્ની ભાવનાબેન સંઘાર, મોટી પુત્રી ઘૃપ્તિ (ઉ.વ.10), કિંજલ (ઉ.વ.8) અને નાની પુત્રી ધર્મિષ્ઠા (ઉ.વ.2)ની હત્યા કરી હતી. નાની અને વચેટ દીકરીઓને થાઈ રોગની બીમારી હોવાથી દવાનો ખર્ચ અને ઘર ચલાવવામાં મુશ્કેલી પડી રહી હતી. જેથી આખા પરિવારના સભ્યોની હત્યા કરી આર્થિક સંકડામણના ભારથી મુક્ત કરવા હત્યા કરી પોતે પણ જીવન ટૂંકાવવા પ્રયાસ કર્યો હતો પરંતુ સફળ થયો ન હતો અને હત્યા બાદ નાસી છૂટ્યો હતો.