Mysamachar.in-સુરત
સુરતના ખટોદરા પોલીસ સ્ટેશનના કેમ્પસમાંથી હાડપિંજર મળતા પોલીસ દોડતી થઈ છે. રવિવારે બપોરે ખટોદરા પોલીસ સ્ટેશનના કેમ્પસમાં મજૂરો દ્વારા જપ્ત કરાયેલા વાહનોને હટાવી સફાઈ કામગીરી ચાલી રહી હતી. તેવામાં જપ્ત કરેલા વાહનોમાં રિક્ષા અને બાઇકને ક્રેન દ્વારા ખસેડાતા રિક્ષાઓની વચ્ચે જમીન પરથી એક હાડપિંજર મળી આવ્યું હતું. શરૂઆતમાં મજૂરો હાડપિંજર જોઈને ગભરાઈ ગયા હતા. પછી મજૂરોએ પોલીસને જાણ કરી હતી. પોલીસ સ્ટેશનમાં જ માનવ કંકાલ જોઇને ખુદ પોલીસ પણ ચોંકી ગઈ હતી.
વધુમાં પોલીસે કહ્યું કે, હાડપિંજરમાં ખોપરી અને કમરથી નીચેનો ભાગ મળી આવ્યો હતો બાકી છાતીનો ભાગ મળ્યો નથી. ઘટનાને પગલે ઉચ્ચ પોલીસ અધિકારીઓ દોડી આવ્યા હતા. પોલીસે હાડપિંજર બાબતે એફએસએલની મદદ લીધી હતી. વધુમાં પોલીસે કહ્યું કે 3 થી 4 વર્ષ જુનું હાડપિંજર ભિક્ષુકનું હોય એવું લાગે છે. જેનું પીએમ કરવું પણ અશક્ય છે. જેથી કંકાલનું ફોરેન્સીક પીએમ બાદ વધુ માહિતીઓ સામે આવી શકે તેમ છે.