Mysamachar.in-જામનગર:
જામનગરના ચકચારી ખોજા બેરાજાની કરોડો રૂપિયાની ખેતીની જમીનમાં ચાલતા વિવાદમાં બે મહિલાઓ ઝેરી દવા પીને આપઘાત કરવાનો પ્રયાસ કર્યા બાદ અંતે બિલ્ડર સહિતના ટોળા સામે ફરિયાદ નોંધાઈ છે.ત્યારે આ મામલે આજે મેર સમાજની વિશાળ રેલી નીકળીને કલેક્ટરને ગંભીર આક્ષેપો સાથે આવેદનપત્ર આપવામાં આવતા આ જમીન પ્રકરણમાં નવો વણાંક આવ્યો છે,
છેલ્લા બે દિવસથી જે રીતે ખોજા બેરાજાની જમીન પ્રકરણમાં ચાલી રહેલા ડખ્ખા બાદ આજે પોરબંદર અને જામનગર મેર સમાજના આગેવાનો દ્વારા વિશાળ રેલી યોજીને આ મામલે ૬ પાનાનાં આવેદનપત્રમાં પોલીસ વિભાગ પર ગંભીર આક્ષેપો સાથે કલેક્ટરને વિસ્તૃત આવેદનપત્ર આપીને મેર સમાજે ભારે રોષ ઠાલવ્યો છે,
આ આવેદનપત્રમાં આવેદનકર્તા રાજુભાઇ ગોગનભાઇ મોઢવાડિયાએ જણાવ્યુ છે કે, આ જમીન પર વર્ષોથી વારસાગત કબ્જો છે. અને હાઇકોર્ટમાં કેસ ચાલુ છે, છતા આ જમીન પચાવી પાડવા અમુક તત્વો પોલીસનો ખોટી રીતે ઉપયોગ કરીને પરેશાન કરવામાં આવી રહ્યા છે.જેથી અમારા પરિવારની બે મહિલાઓએ આપઘાત કરવાનો પ્રયાસ કરવો પડ્યો હતો, આવેદનપત્રમાં વિસ્તૃત આધાર-પુરાવા તથા અત્યારસુધી સરકારી મશીનરીનો ભરપૂર દુરુપયોગ કરીને કેવો મેર પરિવાર પર જુલમ ગુજારવામાં આવ્યો છે તેનું ચોંકાવનારું વર્ણન કરવામાં આવ્યું છે,
વધુમાં હજુ ભુમાફિયા તત્વો દ્વારા ત્રાસ ચાલુ રહેશે તો આખા મેર પરિવારે પોતાનો માલિકી હક્ક અને કબ્જો છોડી હિજરત કરવાની તેમજ વધુ ત્રાસ અપાશે તો આખા પરિવારે સામૂહિક આત્મહત્યા કરવાની ચીમકી અપાય છે. ત્યારે ખેડૂતોની જમીનનો કબ્જો ખાલી કરાવવાના ભ્રષ્ટ અને ગેરકાયદેસર કૃત્ય સામે કાર્યવાહી કરવા તથા મેર પરિવારને રક્ષણ આપવા આવેદનપત્રના અંતે માંગણી કરાઇ છે,
આમ આજે આ રેલીમાં મેર સમાજના આગેવાનોએ પણ ભારે રોષ ઠાલવીને પક્ષપાત રાખતા તંત્રની ટીકા કરી લડી લેવાનું મન બનાવીને ચીમકી આપતા આગામી દિવસોમાં નવા-જુની થવાના એંધાણ દેખાઈ રહ્યા છે.
જો તમને અમારી આ પોસ્ટ વાંચવી ગમી હોય તો તેને લાઇક અને શેર કરો
આપના મોબાઈલના પ્લેસ્ટોરમાંથી Mysamachar.in ની એપ ડાઉનલોડ કરો અને ઝડપી સમાચાર મેળવો.