Mysamachar.in-જામજોધપુર:લાલપુર
સમગ્ર ગુજરાતની સાથેસાથે જામનગર જિલ્લામાં પણ ભારતીય જનતા પાર્ટીના ઉમેદવારોનું ચૂંટણી પ્રચાર કાર્ય વેગવંતુ બન્યું છે. ખાસ કરીને, જિલ્લાનાં જામજોધપુર-લાલપુર પંથકમાં આ વિધાનસભા બેઠક પર ચૂંટણી લડી રહેલાં ચીમનભાઈ શાપરિયાના પ્રચારને પ્રચંડ જનસમર્થન મળી રહ્યું છે. સમગ્ર વિધાનસભા વિસ્તારમાં કમળ ખીલવવા મતદારોએ વિશ્વાસ વ્યક્ત કર્યો છે.
ભાજપાનાં ઉમેદવાર ચીમનભાઈ શાપરિયા સેંકડો હોદેદારો, આગેવાનો, કાર્યકરો અને ગ્રામ્ય વિસ્તારોમાં ગ્રામજનો સાથે પ્રત્યેક ગામોની મુલાકાત લઈ રહ્યા છે. સર્વત્ર તેઓનાં કાફલાને વ્યાપક આવકાર મળી રહ્યો છે. ગામેગામ તેઓનું સ્વાગત સન્માન થઈ રહ્યું છે. સેંકડો મતદારો આ વિધાનસભા વિસ્તારમાં કમળ ખીલવવા ભરોસો વ્યક્ત કરી રહ્યા છે.
ઉમેદવાર ચીમનભાઈ શાપરિયાએ કાલે મંગળવારે પાર્ટીનાં જિલ્લાનાં હોદેદારો અને કાર્યકરો સાથે જામજોધપુર તાલુકાના સત્તાપર, વાંસજાળિયા, તરસાઈ, સખપુર, ઉદેપુર, કોટડાબાવીસી, જીણાવારી, પાળેશ્વર, મહિકી અને ગોદડીયાનેસ સહિતનાં ગ્રામ્ય વિસ્તારોમાં મુલાકાત લીધી હતી. તમામ ગામોમાં વડીલો, યુવાઓ, મહિલાઓ સહિતનાં હજારો ગ્રામજનોએ તેઓને આવકાર્યા હતાં અને સમગ્ર વિધાનસભા વિસ્તારમાં ભારતીય જનતા પાર્ટીને વિજયી બનાવવા કોલ આપ્યો હતો.
જામજોધપુર તાલુકાના વાંસજાળિયા ખાતે ચીમનભાઈનાં મધ્યસ્થ ચૂંટણી કાર્યાલયનો પ્રારંભ કરવામાં આવ્યો. પૂર્વ ધારાસભ્ય અને જામજોધપુર-લાલપુર તાલુકાના ક્ષત્રિય સમાજના અગ્રણી બ્રિજરાજસિંહ જાડેજાએ આ કાર્યાલયનું ઉદ્દઘાટન કર્યું ત્યારે સેંકડો આગેવાનો અને કાર્યકરો તથા ગ્રામજનો ઉપસ્થિત રહ્યા હતાં.
જામજોધપુર તાલુકાના તરસાઈ ખાતે શણગારેલા બળદગાડાઓ સાથે ખેડૂતો સહિતનાં ગ્રામજનોએ ચીમનભાઈનાં પ્રચારકાફલાનુ વાજતેગાજતે ભવ્ય સ્વાગત કર્યું હતું. ચીમનભાઈએ પાળેશ્વર મંદિર ખાતે ભૂવાઆતા જેઠાઆતા અને નારણઆતાની મુલાકાત લીધી હતી અને તેઓનાં આશિર્વાદ મેળવ્યા હતા.
આ ઉપરાંત જામજોધપુર તાલુકાના ગોદડીયાનેસ ખાતે ઉમેદવાર ચીમનભાઈએ જણાવ્યું હતું કે, મારૂં કામ જ મારી ઓળખ. તેઓએ આ નેસના રહેવાસીઓને પાણી પહોંચાડવા કરવામાં આવેલાં પાણીનાં બોરનો ઉલ્લેખ કર્યો હતો. આ બોર રૂ. એક લાખનાં ખર્ચે તૈયાર કરવામાં આવ્યો હતો.
આ ઉપરાંત આજે બુધવારે ઉમેદવાર ચીમનભાઈ શાપરિયા, જિલ્લા ભાજપા નાં હોદેદારો, આગેવાનો અને કાર્યકરો લાલપુર તાલુકાના ચૂંટણી પ્રચાર પ્રવાસે સવારથી વિવિધ ગ્રામ્ય વિસ્તારોમાં ઘૂમી રહ્યા છે. લોકસંપર્ક કરવામાં આવી રહ્યો છે. તેઓનાં આજનાં પ્રચારકાર્યમાં ગજણા, ડબાસંગ, મચ્છુબેરાજા, સેવકભરૂડીયા, રંગપુર, નવાણીયા તથા મીઠોઈ ગામનો સમાવેશ કરવામાં આવ્યો છે.
ભાજપાનાં ઉમેદવાર ચીમનભાઈ શાપરિયાએ જામજોધપુર તાલુકાના કોટડાબાવીસી ગામની પણ મુલાકાત આ ચૂંટણી પ્રવાસ દરમિયાન લીધી હતી. અહીં તેઓએ તથા તેઓનાં પ્રચાર કાફલામાં સાથે રહેલાં સૌએ શ્રી બાવીસી માતાજીના મંદિરે દર્શન કર્યા હતાં અને માતાજીનાં આશિર્વાદ પ્રાપ્ત કર્યા હતા. આ સાથે તેઓનાં કાફલાએ નજીકનાં જીણાવારી ગામની પણ મુલાકાત લીધી હતી, જ્યાં જબ્બર ઉત્સાહ વચ્ચે 35 થી વધુ ગ્રામજનો અને કાર્યકરોએ ભાજપામાં જોડાઈ ઉમેદવાર ચીમનભાઈનાં હસ્તે કેસરિયો ખેસ ધારણ કર્યો હતો. સમગ્ર ગ્રામજનોએ ચીમનભાઈ તથા તમામ આગેવાનોનું સ્વાગત સન્માન કર્યું હતું.
-ચીમનભાઈને જિતાડવા જામજોધપુર અને લાલપુરમાં મહિલાઓ પણ મેદાનમાં
જામજોધપુર-લાલપુર વિધાનસભા બેઠક પરનાં ભારતીય જનતા પાર્ટીના ઉમેદવાર ચીમનભાઈ શાપરિયાને વિજયી બનાવવા ગામેગામ મહિલા કાર્યકરો પણ મેદાનમાં ઉતર્યા છે. કાલે મંગળવારે જામજોધપુર તથા લાલપુર તાલુકામથકે સેંકડો મહિલા આગેવાનો અને કાર્યકરોએ બંને શહેરોમાં લોકસંપર્ક કર્યો હતો અને સમગ્ર વિધાનસભા વિસ્તારમાં કમળ ખીલવવા સૌને અનુરોધ કર્યો હતો તથા ચીમનભાઇને જંગી બહુમતી સાથે વિજયી બનાવવા મતદારોને, ખાસ કરીને મહિલા મતદારોને અનુરોધ કર્યો હતો.