Mysamachar.in:ગુજરાત
ગુજરાત સરકારે મોહરમની રજાની જાહેરાત કરી હતી. તેથી શુક્રવારે રાત્રે રાજયભરના લાખો છાત્રો અને વાલીઓ તથા શિક્ષકો શનિ-રવિની રજાઓ માણવાનો પ્લાન બનાવી રહ્યા હતાં, મુસ્લિમ પરિવારો રજાનો ઉપયોગ કરી મોહરમની તૈયારીઓમાં વ્યસ્ત રહેવા આયોજન કરી રહ્યા હતાં ત્યાં જ, શુક્રવારે મોડી રાત્રે સરકારે જાહેર કરી દીધું કે, શનિવારે સવારે ગુજરાતની તમામ શાળાઓમાં વડાપ્રધાનનાં દિલ્હી ખાતેના કાર્યક્રમનું જીવંત પ્રસારણ કરવાનું છે. છાત્રો તથા શિક્ષકોએ આ પ્રસારણ નિહાળવા શાળાઓમાં પહોંચી જવાનું છે. આમ આડકતરી રીતે મોહરમની રજા રદ્ કરી દેવામાં આવી ! જેથી રાજ્યભરમાં લાખો વિદ્યાર્થીઓ અને શિક્ષકોમાં ભારે આક્રોશ જોવા મળી રહ્યો છે.
સમગ્ર શિક્ષા વિભાગની ગાંધીનગર ખાતેની સ્ટેટ પ્રોજેક્ટ ઓફિસના સચિવ મહેશ મહેતા અને રાજ્યનાં પ્રાથમિક શિક્ષણ વિભાગનાં નિયામક ડો.એમ.આઈ. જોષીની સહીથી શુક્રવારે રાત્રે જાહેર કરવામાં આવ્યું કે, ભારત સરકારનાં શિક્ષા મંત્રાલય દ્વારા નેશનલ એજ્યુકેશન પોલિસી-2020 ની ત્રીજી વર્ષગાંઠ નિમિત્તે તારીખ 29 તથા તારીખ 30 જૂલાઈએ નવી દિલ્હી ખાતે યોજાનારા કાર્યક્રમનું જીવંત પ્રસારણ કરવામાં આવશે. આ કાર્યક્રમનો પ્રારંભ (આજે) શનિવારે સવારે 10 વાગ્યે વડાપ્રધાન દ્વારા કરવામાં આવશે.
વડાપ્રધાનનાં આ કાર્યક્રમનું શનિવારે સવારે દસ વાગ્યે ગુજરાતનાં તમામ શહેર અને જિલ્લાઓમાં તમામ શાળાઓમાં શિક્ષકો, વિદ્યાર્થીઓ અને વાલીઓ તથા કોમ્યુનિટી સભ્યો આ લાઈવ પ્રસારણ નિહાળે તે સુનિશ્ચિત કરવાનું રહેશે. આ પ્રકારની સૂચના તમામ જિલ્લાઓમાં શિક્ષણ વિભાગને આપી દેવામાં આવી હતી, જે અનુસંધાને આજે અત્યારે શાળાઓમાં આ કાર્યક્રમ સૌ નિહાળી રહ્યા છે. અને સાથેસાથે સૌનાં મનમાં રજા રદ્ થયાનો આક્રોશ પણ છે.






