Mysamachar.in-અમદાવાદ
આજકાલ ઓનલાઈન ચીજવસ્તુઓ ખરીદવાનું જબરું ચલન છે અને તેમાં પણ આજના યુવાઓ સોશ્યલ મીડિયાના વિવિધ પ્લેટફોર્મ પર સસ્તું અને સારું કેવી રીતે મળે તે શોધી કાઢવામાં કયારેક છેતરાઈ પણ જતા હોય છે, થોડા સમય પૂર્વે જ બાઈક અને બુલેટ ઓનલાઈન જાહેરાત જોઈ અને યુવકો છેતરપીંડીનો ભોગ બન્યાની ઘટના સામે આવી હતી, આવો વધુ એક કિસ્સો ફરી વખત અમદાવાદમાં સામે આવ્યો છે, જેમાં સોશિયલ મીડિયાના એક પ્લેટફોર્મ પર કાર વેચવાની જાહેરાત મૂકી અને રૂ 1.91 લાખ રૂપિયાની છેતરપિંડી કરવામાં આવી હોવાની ફરિયાદ સોલા પોલીસ સ્ટેશનમાં નોંધાઇ છે.
ગોતા વિસ્તારમાં રહેતા અને ખાનગી કંપનીમાં નોકરી કરતા સુરેશભાઈ પટેલે ફેસબુક પર એક કાર વેચવા અંગેની પોસ્ટ જોઇ હતી. પોસ્ટ આધારે તેમાં આપેલા નંબર પર તેઓએ સંપર્ક કર્યો હતો. ત્યારે ફોન ધારકે પોતાનું નામ દીપક કુમાર યાદવ આપ્યું હતું. ફોન કરનાર વ્યક્તિએ ગાડીના ફોટો અને ડોક્યુમેન્ટ સુરેશભાઈને whatsapp પર મોકલ્યા હતા અને ફોન પર વાત કરનાર વ્યક્તિ જેસલમેર ખાતે હોવાનું જણાવ્યું હતું, અને કાર તેને 1.75 લાખમાં વેચવાની હોવાની વાત કરી હતી અને તે કાર તેની પાસે રાજસ્થાનમાં હોવાનું જણાવ્યું હતું. સુરેશભાઈએ આ ડીલ નક્કી કરતા ફોન કરનાર વ્યક્તિએ આર્મી ટ્રાન્સપોર્ટમાં ગાડી મોકલશે તેઓ તેમ જણાવ્યું હતું. સુરેશભાઈ ઉપર વિકાસ નામના વ્યક્તિનો ફોન આવ્યો હતો અને તેમણે આ ગાડીની ડીલીવરીના કન્ફર્મેશન બાબતે વાતચીત કરી 15,000 અને ત્યારબાદ પાલનપુર પહોંચી ગયો છે તેમ જણાવી જીપીએસ બંધ થઈ ગયું હોવાનું જણાવી વધુ રૂપિયા paytm કરાવ્યા હતા. કુલ 1.91 લાખ જમા કરાવ્યા બાદ સુરેશભાઈને કાર ન મળતા તેઓએ સોલા પોલીસમાં ફરિયાદ આપતા પોલીસે ગુનો દાખલ કરી તપાસ હાથ ધરી છે.