Mysamachar.in-જામનગર:
કોરોનાના વાયરસને કાબૂમાં લેવા જામનગર સહિત દેશભરમાં lockdown કરી દેવામાં આવ્યું છે, આ સમયગાળામાં લોકો કઈ રીતે ડિપ્રેશનથી દૂર રહી શકે, અને લોકોને મુંજવતા કેટલાક સવાલોના સચોટ જવાબો લોકો સુધી પહોચે તે માટે Mysamachar.in દ્વારા જામનગરની જી.જી હોસ્પિટલના માનસિક રોગ વિભાગના વડા ડો.દીપક તિવારીના માર્ગદર્શન હેઠળ તેમની ટીમો દ્વારા આપવામાં આવેલ અમુલ્ય સૂચનો જે લોકોને આ સમયમાં ખુબ જ ઉપયોગી નીવડે તેવા છે તે અમે આજથી આપની સમક્ષ મુકવાનો પ્રયાસ કરીશું,

સવાલ:લોકડાઉન દરમિયાન લોકો ડીપ્રેશનમાં ના રહે તે માટે શું કહેશો…?
જવાબ:આ સવાલ અંગે જી.જી.હોસ્પીટલના રેસિડેન્ટ ડો. ભાવિન કદાવલાએ જણાવ્યું હતું કે લોકો આ સમયગાળામાં પૂરતા પ્રમાણમાં ઊંઘ લે તેમજ કોરોના અંગેના સમાચારો તેમજ તેના વિશે વધુ વિચારવાનું બંધ કરી માત્ર મનગમતી ટી.વી ચેનલો પર ધ્યાન કેન્દ્રિત કરવું તે ખૂબ જરૂરી છે, આ ઉપરાંત તેઓએ લોકોને પૌષ્ટિક ખોરાક લેવાની ખાસ સલાહ આપી છે, સાથોસાથ તમાકુ, ગુટખા, સિગારેટ, દારૂ જેવાં નશીલા પદાર્થોથી દૂર રહેવાની પણ આ સમયમાં તાકીદ કરી છે,
ડો. ભાવિને વધુમાં કહ્યું હતું કે lockdown ના સમયગાળામાં સગાવહાલા તેમજ મિત્રો સાથે ટેલીફોનિક સંપર્કમાં રહેવું તેમજ લોકોને હળવી કસરતો કરવાની તથા સવાર-સાંજ એમ દિવસમાં બે વખત ઈષ્ટદેવની પ્રાર્થના કરવી જેથી ડિપ્રેશનથી દૂર રહી શકાય, તેઓએ ઉમેર્યું હતું કે લોકોને ઊંઘ ન આવી ભૂખ ન લાગવી કોરોના વિશે ચિંતા થવી અને તેના વિશેના જ વિચારો આવવા તથા મનગમતી પ્રવૃત્તિઓમાં રસ ન લાગે કે આપઘાતના વિચારો આવવા જેવી વિવિધ તકલીફો જણાય તો તાત્કાલિક મનોચિકિત્સકની સલાહ લેવાની બાબતો તેમને વર્ણવી છે.