Mysamachar.in-અમદાવાદ
ઓનલાઈન છેતરપીંડી એ હવે કોઈ નવી બાબત રહી નથી વિવિધ સોશ્યલ મીડિયાના પ્લેટફોર્મનો ઉપયોગ કરી અને તેના સહારે ગઠિયાઓ લોકોના બેંકમાં રહેલા નાણા ખંખેરી લે છે, પણ આ ફ્રોડમાં નવી પદ્ધતિ એટલે કે ટેલીગ્રામ એપ્લીકેશન પર છેતરપીંડી કરનાર 3 શખ્સોને પોલીસે ઝડપી પાડ્યા છે, Telegram નામની એપ્લિકેશન પર મોબાઈલ, લેપટોપ કે એલઇડી જેવી વસ્તુઓ સસ્તા ભાવે આપવાની લોભામણી જાહેરાત મૂકીને ગ્રાહકો પાસેથી ઓનલાઈન નાણાં કયુઆર કોડ મારફતે ટ્રાન્જેક્શનથી પોતાના ફોન પે, પેટીએમ કે પછી ગૂગલ પે દ્વારા પોતાના ખાતામાં નંખાવી દીધા બાદ ગ્રાહકોના મોબાઈલ ફોન બ્લોક કરી છેતરપિંડી કરતી ગેંગની સોલા પોલીસ એ ધરપકડ કરી છે.
સોલા પોલીસે ત્રણેયને પકડી તેમની પૂછપરછ કરી હતી. ત્રણેય આરોપીઓએ ટેલીગ્રામ પર અલગ અલગ ચેનલ બનાવી હતી. જેમાં પ્રમોટર દ્વારા લોભામણી જાહેરાતો અપાવતા હતા. જો કોઈ ગ્રાહક તેમની પ્રોડક્ટ ખરીદવા માંગે તો તે આરોપીઓના યુઝરનેમ પર ક્લિક કરતા જેથી આરોપીઓ તેમની સાથે ટેલીગ્રામ મારફતે મેસેજથી વાત કરી આ પ્રોડક્ટ તેઓને સસ્તા ભાવે આપવાની લાલચ આપીને તેમની પાસેથી 50% પેમેન્ટ મંગાવતા અને વસ્તુ ત્રણ દિવસમાં તેમના સરનામા પહોંચાડી દેવાની ખાતરી આપતાં હતાં. જોકે, પેમેન્ટ મળ્યા બાદ આરોપીઓ ગ્રાહકનો મોબાઈલ નંબર બ્લોક કરી દેતા હતા. હાલમાં પોલીસે અનીશ જોશી, વિશાલ શર્મા અને ધ્રુવ હિંગોલ નામના આરોપીઓની ધરપકડ કરીને વધુ તપાસ શરૂ કરી છે. આરોપીઓએ અત્યાર સુધીમાં રૂપિયા 18 લાખની છેતરપિંડી કરી હોવાનુ તપાસ દરમિયાન બહાર આવ્યું છે.