Mysamachar.in-અમદાવાદ
આજના ભાગાદોડીના સમયમાં વર્કિંગ કપલ પોતાના માસુમ ફૂલ જેવા બાળકોને આયાને ભરોષે મૂકીને પોતે બિન્દાસ્ત થઇ જતા રહે છે, પણ આ ભરોષો ક્યારેક ભારે પડી શકે તેવો હચમચાવી નાખે તેવો કિસ્સો અમદાવાદમાં સામે આવ્યો છે, જ્યાં શહેરમાં એક વર્કિંગ કપલે પોતાના બાળકને સાચવવા માટે ઓનલાઈન રજિસ્ટ્રેશન કરીને આયાને રાખી હતી, પરંતુ આ આયાએ તેમના બાળકને સાચવવાની જગ્યાએ તેને મહારાષ્ટ્રમાં એક દલાલને વેચવા માટેનો પ્લાન ઘડી નાખ્યો હતો. આ માસૂમ બાળકને એક ફોન-કોલની મદદથી દલાલના હાથમાં જતી બચાવી લેવામાં આવી છે,
શહેરના ચાંદખેડાના પોશ વિસ્તારમાં રહેતા એક વર્કિંગ કપલ છે. તેમને એક 11 માસની માહી નામની દીકરી છે, બંને જણા કામના સમયે પોતાની દીકરી માહી પર ધ્યાન આપી શકતાં નહોતાં, જેથી તેના ઉછેરમાં ખૂબ જ તકલીફ પડતી હતી. જેથી દીકરી માહીની સાચવણી માટે ઓનલાઈન આયા માટે સર્ચ કર્યું હતું. આ દરમિયાન આયા માટેની એક એજન્સી તેમને મળી હતી. આ એજન્સીમાં કામ કરતી બિંદુ નામની આયાને માહીની સાચવણી માટે દર મહિને 18 હજાર રૂપિયાના પગાર પર તેમણે રાખી લીધી હતી. બિંદુ માહીને શરૂઆતમાં સારી રીતે રાખતી હતી. બંને દંપતી રોજ પોતાનું કામ સારી રીતે કરતાં હતાં. પરંતુ માહીને પિતાને આવેલ એક ફોન-કોલ આવ્યો અને મોટા રેકેટનો પર્દાફાશ થયો છે,
પશ્ચિમ બંગાળથી એક પોલીસ ઓફિસરનો ફોન આવ્યો કે તમે બાળકને સાચવવા માટે આયા રાખી છે તેનું નામ બિંદુ છે? આ ફોન-કોલથી માહીના પિતા એકદમ ચોંકી ગયા હતા. ફોન પર તેમને એવી માહિતી મળી કે સમગ્ર દેશમાં હ્યુમન ટ્રાફિકિંગ સાથે જોડાયેલી ગેંગ પાસે તમારી દીકરીના ફોટો છે. બિંદુ માહીને વેચવા માગે છે. આ ફોનથી ગભરાઈ ગયેલા પિતાએ તાત્કાલિક ઘરે ફોન કરીને માહી ક્યાં છે એની તપાસ કરી ત્યારે માહી અને બિંદુ ઘરે જ હતાં.
બિંદુ પશ્ચિમ બંગાળની વ્યક્તિ છે. તેનો સંપર્ક મહારાષ્ટ્રના પ્રશાંત કામલે સાથે થયો હતો. પ્રશાંત કામલે પશ્ચિમ બંગાળના દંપતીને જણાવ્યું કે બિંદુ નામની મહિલા છે જે ગરીબીના કારણે પોતાનું બાળક દત્તક આપવા માંગે છે. જેથી પશ્ચિમ બંગાળના દંપત્તિએ બાળકીના ફોટો માંગ્યા હતાં. બિંદુએ બાળકી સાથે ફોટો પાડીને મોકલ્યા હતાં. આ દંપતીએ સ્થાનિક પોલીસને જાણ કરી અને ત્યાંથી પોલીસે ગુજરાત પોલીસનો સંપર્ક કરતાં ચાંદખેડા પોલીસ અમદાવાદમાં આ ઘરે પહોંચી હતી અને બિંદુની ધરપકડ કરી લીધી હતી. પોલીસને બિંદુ પાસેથી પશ્ચિમ બંગાળની ટિકીટ પણ મળી આવી હતી. હવે રેકેટના મુળિયા કેટલા ઊંડા તેના પર પોલીસ વિશેસ તપાસ કરશે પણ આ કિસ્સો એ વાલીઓ માટે ચેતવણીરૂપ છે જે પોતાના બાળકોને આ રીતે સંપૂર્ણ આયાના ભરોશા પર છોડી દે છે.