Mysamachar.in-ગાંધીનગર:
રાજ્યમાં દરરોજ કેટલાય લોકોના વાહનો ચોરી થતા હશે જેમાં અલગ અલગ પ્રકારના વાહનોનો સમાવેશ થતો હશે, ત્યારે હાલ વિધાનસભાના ચાલી રહેલ સત્ર દરમિયાન વાહનચોરીને લઈને પૂછવામાં આવેલ પ્રશ્નના જવાબમાં ગૃહમંત્રીએ જવાબ આપ્યો છે તેની વિગતો એવી છે કે…રાજ્યમાં છેલ્લા 3 વર્ષમાં મોટરકાર, રીક્ષા, સ્કૂટર, મોટરસાઇકલ અને ટ્રક મળીને કુલ 19,326 વાહનોની ચોરી થવા પામી હતી. જેમાંથી 10055 જેટલા વાહનોને શોધવામાં આવ્યા છે, જ્યારે હજુ 9271 વાહનોનો કોઇ અત્તોપત્તો નથી. એમ વિધાનસભા ગૃહમાં કોંગ્રેસના ધારાસભ્ય અનંત પટેલ દ્વારા પૂછાયેલા અતારાંકિત પ્રશ્રના પ્રત્યુતરમાં ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવીએ જણાવ્યું હતું. કેવા પ્રકારના વાહનોની ચોરી થઈ છે અને તેમાંથી કેટલાક પરત મેળવવામાં સફળતા પ્રાપ્ત થઈ છે તે અંગેના આંકડા પણ રજૂ કરવામાં આવ્યા છે.
રાજ્યમાંથી 1 એપ્રિલ, 2020થી 31 માર્ચ, 2023 સુધીમાં 891 મોટરકાર, 1046 પેસેન્જર રિક્ષા, 54 લોડિંગ રિક્ષા, 34 છકડા, 2593 સ્કૂટર, 14329 મોટરસાઇકલ, 181 મીની ટ્રક અને 198 મોટી ટ્રક મળીને કુલ 19326 વાહનોની ચોરી થઈ હતી. ગૃહ વિભાગના રજુ થયેલ આંકડા મુજબ, 418 મોટરકાર, 683 પેસેન્જર રિક્ષા, 34 લોડિંગ રિક્ષા, 26 છકડા, 1557 સ્કૂટર, 7131 મોટરસાઇકલ, 107 મીનીટ્રક અને 99 મોટી ટ્રક મળીને કુલ 10,055 વાહનોને શોધી નાખવામાં આવ્યા છે.આ શોધાયેલા વાહનોમાંથી 9389 વાહનો તેના માલિકોને સુપરત કરવામાં આવ્યા છે. 666 વાહનોના માલિકોને શોધવાના બાકી છે.
-હજુ પણ આટલા વાહનો શોધવાના છે બાકી….
જોકે, હજુ પણ 9271 વાહનોને શોધવાના બાકી રહ્યા છે. જેમાં 473 મોટરકાર, 363 પેસેન્જર રિક્ષા, 20 લોડિંગ રિક્ષા, 8 છકડો, 1036 સ્કૂટર, 7198 મોટરસાઇકલ, 74 મીની ટ્રક અને 99 મોટી ટ્રકનો સમાવેશ થાય છે.