Mysamachar.in:ગુજરાત
જિંદગી બહુ મોટી ચીજ છે અને જિંદગીનો અંત લાવવા માટે થતી આત્મહત્યાઓ બહુ મોટો ચિંતાપ્રેરક વિષય છે. ગુજરાત સહિત દેશભરમાં રોજ હજારો લોકો મોત મીઠું કરે છે ! આ પ્રકારનાં લોકોની જિંદગી આટલી કડવી અથવા ખારી થઈ જતી હશે ?! એવો પ્રશ્ન ઉઠવો સાહજિક છે.
જે લોકો જિંદગીની સમસ્યાઓ હલ નથી કરી શકતાં તેઓ આખરે છૂટકારો મેળવવા આપઘાતનો ટૂંકો માર્ગ અપનાવતાં હોય છે. દેશભરમાં રોજ હજારો લોકો આપઘાત કરી રહ્યા છે. આત્મહત્યા કરી લેનારા આ કમભાગીઓમાં સૌથી વધુ એવાં લોકો હોય છે જેઓ રોજમદાર હોય છે. તેઓની નાણાંભીડ તીવ્ર બની જતી હોય છે. જો કે આ પ્રકારનાં લોકોનાં આપઘાત પાછળ અન્ય કારણો પણ જવાબદાર હોય છે. દેશમાં સરેરાશ રોજ 114 રોજમદાર લોકો આપઘાત કરી લે છે. ગુજરાતમાં રોજમદાર લોકોનાં આપઘાતનો દૈનિક આંકડો 9 છે. સમૃધ્ધ રાજ્યમાં રોજ 9 ગરીબ મોત વ્હાલું કરે છે ! 10,066 એવાં લોકોએ આપઘાત કરી લીધાં છે જેઓ ખેતમજૂરી કરે છે અથવા જાતે એકલાં ખેતી કરે છે.
સમગ્ર દેશમાં એક વર્ષમાં 42,004 રોજમદારોએ જિંદગી ટૂંકાવી લીધી. 23,179 પરણીતાઓએ મોત ગળે લગાડી લીધું. સ્વરોજગાર મેળવનાર 20,231 નાગરિકોએ મોત પસંદ કર્યું. 15,870 પગારદાર લોકોએ પણ આપઘાત કર્યો. 13,714 બેરોજગારોએ કંટાળીને જિંદગી ટૂંકાવી લીધી. 13,089 વિદ્યાર્થીઓએ આપઘાત કર્યો. 12,055 વેપારીઓએ જીવન સંકેલી લીધું. ખાનગી ક્ષેત્રમાં નોકરી કરતાં 11,031 નોકરિયાતોએ મરી જવું પસંદ કર્યું. 16,199 ખેડૂતોએ આપઘાત કરી લીધાં.
આ ઉપરાંત એક વર્ષમાં 4,532 ફેરિયાઓએ જિંદગી છોડી દીધી. 3633 બિઝનેસમેનએ આત્મહત્યાઓ કરી લીધી. આપઘાતનાં 4,933 કેસ એવાં છે જેમાં રાજય અને કેન્દ્ર સરકારનાં કર્મચારીઓ અને નિવૃત કર્મચારીઓનો સમાવેશ થાય છે. આ રીતે એક વર્ષમાં દેશમાં કુલ 1,64,033 પુરુષો અને સ્ત્રીઓએ આત્મહત્યાઓ કરી. આપઘાત કરનારાઓ સૌથી વધુ તામિલનાડુનાં રહ્યા, ગુજરાતનો ક્રમ છઠ્ઠો રહ્યો. બીજાં નંબરે મહારાષ્ટ્ર છે.
ગુજરાતમાં વર્ષ 2014 માં 669 રોજમદારોએ આપઘાત કર્યો. વર્ષ 2021 માં આ આંકડો 3,206 થયો ! આ પ્રકારનાં આંકડા સમાજ તથા સરકાર માટે ચિંતાપ્રેરક બની રહ્યા છે. રોજમદારોનાં આપઘાત મુદે પણ તામિલનાડુ અને મહારાષ્ટ્ર પ્રથમ અને બીજાં ક્રમે છે.






