Mysamachar.in-વલસાડ
જિલ્લાના નાનાપોન્ઢા નજીક એક વિચિત્ર અકસ્માતની ઘટના સામે આવી છે, જેમાં એક ઇકો કાર ચાલક સ્ટેરીંગ પરથી કાબુ ગુમાવતા કાર રોડની સાઈડમાં પલટી મારી મરઘાના પાંજરા પર ચડી ગઈ હતી. આ વિચિત્ર અકસ્માત જોઈ લોકો પણ આશ્ચર્યમાં મુકાયા હતા. જોકે આ ઘટનામાં કોઈ જાનહાની થઇ નથી તે રાહતના સમાચાર છે, નાનાપોન્ઢા પારડી રોડ પર એક કાર પૂર ઝડપે પસાર થઈ રહી હતી. લગ્નમાં જાનૈયાઓને મૂકી અને પરત બીજા જાનૈયાઓને લેવા જતી વખતે જ વહેલી પરોઢે આ કારચાલકને ઝોકું આવી જતા અચાનક જ કાર પલટી મારી રોડની સાઈડમાં ઉતરી ગઈ હોવાનું પ્રાથમિક તારણ છે, જે બાદ રોડની સાઈડમાં મરઘાના પાંજરા રાખેલા હતા. આથી પલટી મારેલી આ કાર સીધી જ મરઘાના પાંજરા પર ચડી ગઈ હતી. કારના આગળના ટાયર મરઘાના પાંજરા પર ચડી ગયા હતા આ વિચિત્ર અકસ્માતથી પસાર થતા રાહદારીઓ પણ આશ્ચર્યમાં મુકાયા હતા.