Mysamachar.in:અમદાવાદ
અમદાવાદ હવામાન વિભાગના ડિરેક્ટર મનોરમા મોહંતીએ જણાવ્યું કે, બિપોરજોય વાવાઝોડું પોરબંદરથી 830 કિમી દૂર છે. આગામી 24 કલાક રાજ્યમાં વરસાદની આગાહી છે. આવતીકાલથી દક્ષિણ ગુજરાતમાં, સૌરાષ્ટ્ર, કચ્છમાં વરસાદ પડશે. તો આગામી 2 દિવસ ગુજરાતના કેટલાક વિસ્તારોમાં 35થી 45 કિમીની ઝડપે પવન ફૂંકાશે. 2 દિવસ બાદ પવનની ગતિમાં વધારો થતાં 50-60 કિમીની ઝડપે પવન ફૂંકાશે. પાંચમાં દિવસે 70 કિમીની ઝડપે પવન ફૂંકાવવાની આગાહી છે.
અરબ સાગરમાં સર્જાયેલા આ ચક્રવાત પર હવામાન વિભાગના અપડેટ અનુસાર તે અરબી સાગરમાં પૂર્વ-મધ્ય વિસ્તાર ઉપર છે. તે ગોવાના પશ્ચિમ અને દક્ષિણ પશ્ચિમ દરિયાકાંઠા નજીક લગભગ 840 કિલોમીટર અને મુંબઈ પશ્ચિમ-દક્ષિણ પશ્ચિમ દરિયાકાંઠાથી લગભગ 870 કિલોમીટર દૂર છે. હવામાન વિભાગે આગામી 36 કલાકમાં આ ચક્રવાત વધુ વિકરાળ બને એવું અનુમાન વ્યક્ત કર્યું છે. વાવાઝોડાની અસરના કારણે દક્ષિણ ગુજરાત, સૌરાષ્ટ્રના વિસ્તારોમાં ભારે પવન ફૂંકાઇ શકે છે. જેના પગલે તમામ બંદરો પર બે નંબરનું ભયસૂચક સિગ્નલ મૂકાયું છે. હાલ પોરબંદરથી વાવાઝોડું 830 કિ.મી દુર છે. વાવાઝોડાની અસરના કારણે દરિયાકાંઠાના વિસ્તારોમાં સામાન્ય વરસાદ વરસી શકે છે. હવામાન વિભાગના જણાવ્યા મુજબ વાવાઝોડાને લીધે હવાની દિશા સતત બદલાઈ રહી છે. 6 કિ.મી પ્રતિ કલાકની ઝડપે વાવાઝોડું આગળ વધી રહ્યુ છે.