Mysamachar.in-અમદાવાદ:
સમગ્ર રાજ્યમાં કાયદો અને વ્યવસ્થા જાળવવાની જવાબદારીઓ રાજ્યના પોલીસદળ પર છે પરંતુ આ વિભાગમાં હાલ 29,000 જેટલી જગ્યાઓ ખાલી હોવાથી, ખુદ વડી અદાલતને અચરજ થઈ રહ્યું છે કે, આ સ્થિતિમાં સરકાર શું કરી રહી હશે ?! વડી અદાલતે આ મુદ્દે રાજ્ય સરકારને સીધો જ પ્રશ્ન પૂછી લીધો કે, આ હજારો જગ્યાઓ ખાલી પડી છે એ સ્થિતિમાં રાજ્યના પોલીસ વિભાગનું સરકાર સંચાલન કેવી રીતે કરી શકે છે ? સરકારે વડી અદાલતમાં કહ્યું, અમોએ 12મી માર્ચે 12,000 જગ્યાઓ ભરવા જાહેરાત કરી છે. ફોજદારો અને હવાલદારોની ભરતીઓ કરવામાં આવશે.
આ તકે વડી અદાલતે એવો સૂચક સવાલ કર્યો કે, હાલમાં રાજ્યમાં લોકસભા ચૂંટણીઓ સંદર્ભે આદર્શ આચારસંહિતા અમલમાં છે, જે સરકારને ભરતીમાં નડશે નહીં ? સરકારે વડી અદાલતને એવી માહિતી આપી કે, સરકારે અલગથી સ્વાયત્ત પોલીસ ભરતી બોર્ડની રચના કરી છે.
અત્રે ઉલ્લેખનિય છે કે, ગત્ બીજી માર્ચના દિવસે રાજ્ય સરકારે એક સોગંદનામું દાખલ કર્યુ હતું. જેમાં જણાવાયું હતું કે, પોલીસ ઈન્સ્પેક્ટર, ફોજદાર, મદદનીશ ફોજદાર અને હવાલદારોની 23,000 જગ્યાઓ ખાલી છે. પોલીસ વિભાગની ટેક્નિકલ સર્વિસ ટીમમાં, તમામ 4,561 જગ્યાઓ ખાલી છે. અને, સરકાર પાસે હાલ એક પણ આસિસ્ટન્ટ ઈન્ટેલિજન્સ ઈન્સ્પેક્ટર નથી. વડી અદાલતે એ બાબતની પણ નોંધ લીધી કે, રાજ્યના પોલીસ વિભાગમાં ટેક્નિશિયન અને ઓપરેટરની કુલ 802 જગ્યાઓ પૈકી, 556 જગ્યાઓ ખાલી છે.