Mysamachar.in-ગાંધીનગર:
આઝાદ ભારતનાં ઈતિહાસમાં વડાપ્રધાન મોદી પ્રથમ એવાં નેતા છે જેઓએ સોશ્યલ મીડિયાની જબરદસ્ત તાકાતને નજીકથી પિછાણી છે અને આ શક્તિશાળી માધ્યમનો તેઓએ ભરપૂર ઉપયોગ કર્યો છે, કરી રહ્યા છે – ખાસ કરીને ટ્વીટર તેઓનું પસંદગીનું માધ્યમ છે. સોશ્યલ મીડિયાનાં વ્યાપક ઉપયોગથી દેશવાસીઓ સાથે સતત કનેક્ટ રહેવું, જનજન સુધી સરકારની વાત પહોંચાડવી અને સરકારની સિદ્ધિઓ તેમજ વિઝન અંગે દેશવાસીઓને સતત પોતાની સાથે કનેક્ટેડ રાખવા તેઓ ટ્વીટરનો બખૂબી ઉપયોગ કરી રહ્યા છે. તેઓ હંમેશા લાઈવ રહે છે. પ્રધાનમંત્રી કાર્યાલય સતત એલર્ટ રહે છે. દેશ તથા દુનિયાનાં તમામ મહત્વના મુદ્દાઓ અત્રે વણી લેવામાં આવે છે.
અત્યંત વિશ્વસનીય સૂત્રોના જણાવ્યા પ્રમાણે, તાજેતરમાં વડાપ્રધાને ગુજરાતમાં તમામ મંત્રીઓ તથા સરકારી અધિકારીઓને સોશિયલ મીડિયા પર ખાસ કરીને ટ્વીટર પર સતત એકટીવ રહેવા, તંત્ર તથા લોકો સાથે સતત જોડાયેલા રહેવા તાકીદ કરતો સંદેશ ખાનગીમાં પહોંચાડી દીધો છે.મુખ્યમંત્રી કાર્યાલયમાં એક ખાસ સિનિયર અધિકારીને ફરજો સોંપવામાં આવી છે કે, કયા કયા મંત્રીઓ અને કયા કયા અધિકારીઓ સોશ્યલ મીડિયા પર એક્ટિવ છે ? વોચ રાખો. સતત એ વાતનું ધ્યાન રાખો કે, વડાપ્રધાન તથા ગૃહમંત્રીનાં ટ્વીટ મંત્રીઓ તથા અધિકારીઓ દ્વારા રિટવીટ કરવામાં આવે છે કે કેમ ?
અત્રે ઉલ્લેખનીય છે કે, આગામી સમયમાં રાજ્યમાં વિધાનસભાની ચૂંટણી યોજાવા જઈ રહી છે અને સોશ્યલ મીડિયાના વ્યાપ અને અસરો અંગે વડાપ્રધાન 2013 થી એલર્ટ છે. તેઓએ આ શક્તિશાળી માધ્યમનો અમાપ ઉપયોગ કર્યો છે અને આજે પણ તેઓએ બખૂબી ઉપયોગ કરી રહ્યા છે. તેઓ જમાનાની સાથે તો ઠીક, જમાનાથી બે કદમ આગળ રહેવાની સજ્જતા અને સક્ષમતા જબરદસ્ત રીતે ધરાવે છે, જે તેઓને સૌથી લોકપ્રિય નેતાનું સ્થાન જાળવી રાખવામાં વર્ષોથી મદદરૂપ બની રહ્યું છે.
અત્રે એ પણ નોંધનીય છે કે, તેઓએ ભારતીય જનતા પાર્ટીના આઇટી સેલને જબરદસ્ત તાકાત આપી છે અને તેનો મહત્તમ લાભ પ્રાપ્ત કર્યો છે. કારણ કે, સોશ્યલ મીડિયાની તાકાત હાલ માત્ર ભારતમાં જ નહીં, સમગ્ર વિશ્વમાં જડબેસલાક પ્રભુત્વ ધરાવે છે. અને, મોદી તાકાતવાન ક્ષેત્રોને સૌની પહેલાં પિછાણી જવામાં અને તેનો ભરપૂર ઉપયોગ કરવામાં હંમેશા સૌથી આગળ રહ્યા છે, અને તે મુદ્દો તેઓનું સૌથી મોટું જમાપાસું રહ્યો છે.