Mysamachar.in-અમદાવાદ
કેટલાય લોકો વ્યસનના એવા આદિ હોય છે કે તેને વ્યસન પૂરું કર્યા વિના ચાલતું નથી, એવામાં અમદાવાદ શહેરના એલિસબ્રિજ વિસ્તાર એક યુવક આંગડિયા પેઢીમાંથી પાંચ લાખ રૂપિયા લઈને નીકળ્યો હતો. રસ્તામાં એક પાનના ગલ્લે વીસ રૂપિયાની સિગારેટ પીવા ઊભો રહ્યો હતો. આ દરમિયાન તેની નજર ચૂકવીને ગઠિયા એક્ટિવાનું લોક તોડીને તેમાંથી પાંચ લાખ રૂપિયા લઇ રફુચક્કર થઈ ગયા હતા સરસપુર વિસ્તારમાં રહેતો રાહુલ પરીખ કલગી ચાર રસ્તા પાસે આવેલી મિત્રની ઓફિસે ગયા હતા. અહીંથી તેમના મિત્રનું એક્ટિવા લઈને સીજી રોડ ખાતે આવેલી એક આંગડિયા પેઢી ખાતે જવાનું કહ્યું હતું.
બાદમાં તેઓ આ આંગડિયા પેઢી ખાતે ગયા હતા અને ત્યાંથી સફેદ કલરની થેલીમાં પાંચ લાખ રૂપિયા એક્ટિવાની ડેકીમાં મૂકીને નીકળ્યા હતા. સીજી રોડથી મીઠાખળી પસાર કરી નગરી હોસ્પિટલ થઇ કલગી ચાર રસ્તા પાસે આવ્યા હતા. અહીં એક રેસ્ટોરન્ટ પાસે આવ્યા હતા. અહીં એક પાનનો ગલ્લો હોવાથી તેઓ ત્યાં સિગારેટ અને પાણી પીવા ઊભા હતા. બાદમાં એક્ટિવા પાસે ગયા ત્યારે એક્ટિવાની ડેકી ખુલ્લી હતી. અંદર જોયું તો પાંચ લાખ રૂપિયા મળ્યા ન હતા આ બાબતે તેમણે તાત્કાલિક રેસ્ટોરન્ટમાં લાગેલા સીસીટીવી ફૂટેજ જોતા ગઠિયા એક્ટિવાની ડેકીનું લોક તોડી પાંચ લાખ રૂપિયા લઇ જતા નજરે પડ્યા હતા. પોલીસને જાણ કરતા એલિસબ્રિજ પોલીસે ઘટના સ્થળે પહોંચી હતી અને આ મામલે ફરિયાદ નોંધીને કાર્યવાહી શરુ કરી છે.