Mysamachar.in:અમદાવાદ
થોડાં દિવસો પહેલાં, કેન્દ્રીય પર્યાવરણ મંત્રી ભુપેન્દ્ર યાદવે દેવભૂમિ દ્વારકા જિલ્લાની મુલાકાત લીધી હતી. તેઓએ પર્યાવરણ અંગે ઘણી અને સરસ વાતો કરી. સૌએ તાળીઓથી તેઓને તથા તેઓની વાતોને વધાવી લીધી હતી. આ જ પર્યાવરણ મંત્રીએ દેશની લોકસભામાં ગુજરાત પ્રદૂષણ અંગે આપેલાં આંકડા ગંભીર અને ચિંતાજનક છે ! આંકડા દર્શાવે છે કે, રાજય સરકાર અને રાજ્યનું પ્રદૂષણ નિયંત્રણ બોર્ડ પ્રદૂષણ મુદ્દે ગંભીર નથી. ગુજરાતમાં પ્રદૂષણનું સ્તર ભયાનક છે અને રાજ્ય સરકાર આ પ્રદૂષણને નાથવામાં ટૂંકી પડી રહી છે ! આપણાં ઉદ્યોગો આપણને ભેટમાં ઝેર આપી રહ્યા છે અને એમ છતાં સરકાર કશું જ કરતી નથી !
ગુજરાત કોન્ગ્રેસનાં પ્રવક્તા પાર્થિવરાજસિંહ કઠવાડિયાએ જાહેર કરેલી વિગતો અતિ સંવેદનશીલ અને ચિંતાજનક છે. તેઓએ જાહેર કરેલી વિગતો ખુદ કેન્દ્ર સરકારે લોકસભામાં આપી હતી. આ વિગતો જાણવાથી ખ્યાલ આવી શકે છે કે, ગુજરાતમાં ભયાનક પ્રદૂષણ છે. એમ છતાં પ્રદૂષણ ફેલાવતા ઉદ્યોગોનો વાળ વાંકો થતો નથી ! રાજ્યનું પ્રદૂષણ નિયંત્રણ બોર્ડ કરોડો નાગરિકોના સ્વાસ્થ્ય પ્રત્યે ઉદાસીન છે. અને સરકારનાં સ્તરે, રાજ્યમાં આ પ્રકારની સ્થિતિ શા માટે ચલાવી લેવામાં આવી રહી છે ?! એ પ્રશ્ન પણ સૂચક છે. સરકારની નિયતમાં ક્યાંક, કંઇક આઘુંપાછું છે ?!
રાજ્યમાં કુલ 33,486 નોંધાયેલી ફેકટરી છે. (સ્થાનિક તંત્રોની મહેરબાનીથી નોંધાયેલા ન હોય એવાં ઔદ્યોગિક એકમો પણ ધમધમે છે !) નોંધાયેલી ફેકટરીઓ પૈકી 4,605 ફેકટરીઓ સરકારનાં પર્યાવરણ અંગેનાં નિયત ધારાધોરણોને અનુસરતી નથી ! (આ આંકડો હકીકતમાં મોટો પણ હોય શકે છે!). આ આંકડા લોકસભામાં જાહેર થયેલાં છે. પ્રદૂષણ ફેલાવતા ઔદ્યોગિક એકમોની સંખ્યાની દ્રષ્ટિએ ગુજરાત દેશભરમાં બીજા ક્રમે છે ! રાજ્યમાં (માત્ર) 4 ફેકટરી સામે પ્રદૂષણ મુદ્દે કાર્યવાહી કરવામાં આવી છે. 313 ફેકટરીઓને પ્રદૂષણ મુદ્દે તાળાં મારી દેવાનાં આદેશો આપવામાં આવ્યા છે. જો કે આ આદેશોનું પાલન થયું છે કે કેમ ? અથવા કેટલાં પ્રમાણમાં થયું છે ? તે આંકડાઓ જાહેર થયા નથી.
લોકસભામાં જાહેર કરવામાં આવેલાં આંકડા કહે છે : 3,323 ફેકટરીઓને શોકોઝ નોટિસ આપવામાં આવી છે. 965 ફેકટરીઓ એવી છે જેનાં પર પ્રદૂષણ મુદ્દે શું પગલાં લેવા ? તે અંગે નિર્ણય લેવાના બાકી છે. અત્રે ઉલ્લેખનીય છે કે, ઔદ્યોગિક એકમો દ્વારા ફેલાવવામાં આવી રહેલાં પ્રદૂષણની લોકોનાં સ્વાસ્થ્ય પર ગંભીર અસરો પડી રહી છે. લોકોનાં મોત પણ થઇ રહ્યા છે.
અમદાવાદની સાબરમતી અને સૌરાષ્ટ્રમાં ભાદર નદી જેવી ઘણી નદીઓ એવી છે જે દેશમાં સૌથી વધુ પ્રદુષિત નદીઓની યાદીમાં સામેલ છે ! ગુજરાતમાં નદીઓને સરકારી ભાષામાં લોકમાતા કહેવામાં આવે છે ! લોકમાતાઓની સ્વચ્છતા મુદ્દે આપણે ગંભીર નથી. ગુજરાતમાં ખુદ હાઈકોર્ટ પણ સરકારને એકથી વધુ વખત, પ્રદૂષણ મુદ્દે ઠપકો આપી ચૂકી છે. સરકાર કહે છે : જળ, વાયુ, જંગલ અને જમીનોને પ્રદૂષણથી બચાવવા આપણા સૌની ફરજ છે. ત્યારે પ્રશ્ન એ થાય છે કે, પ્રદૂષણ મુદ્દે ઉદ્યોગો પર આકરાં પગલાં શા માટે લેવામાં આવતાં નથી ?! પ્રદૂષણ ફેલાવતા ઔદ્યોગિક એકમો અને સ્થાનિક પ્રદૂષણ નિયંત્રણ બોર્ડની કચેરીઓ વચ્ચે સાંઠગાંઠ હોય છે ? રાજ્યનું વન અને પર્યાવરણ મંત્રાલય આ મુદ્દે શી ભૂમિકા ભજવી રહ્યું છે ?! એ પ્રશ્ન પણ લોકોમાં પૂછાઈ રહ્યો છે.