Mysamachar.in:ગુજરાત
ગુજરાત સમૃધ્ધ રાજય છે. પરંતુ બાળકો અને મહિલાઓ સંબંધિત આંકડાઓ જણાવે છે કે, નોંધપાત્ર સંખ્યામાં બાળકો અને મહિલાઓની સ્થિતિ ચિંતાપ્રેરક છે ! અને આ આંકડા સરકારના ખુદનાં છે. બાળકો અને મહિલાઓને પૂરતાં પ્રમાણમાં પોષણ મળતું નથી ! ખાસ કરીને આદિવાસીઓની સ્થિતિ ગંભીર છે. હાલમાં રાષ્ટ્રીય પોષણ માસ ચાલી રહ્યો છે. બરાબર એ જ સમયે આ આંકડાઓ જાહેર થયા. રાજયમાં કુપોષણ સૌથી મોટા પડકાર તરીકે બહાર આવ્યું છે. સમગ્ર દેશમાં સપ્ટેમ્બર માસ પોષણ માસ તરીકે સરકારી વિભાગોમાં ઉજવવામાં આવે છે. અનેક કાર્યક્રમ ગોઠવવામાં આવે છે. દર વર્ષે આ સરકારી ઉજવણીઓ થતી હોય છે.
ગુજરાતમાં કુપોષણની સ્થિતિ જોઈએ તો પાંચ વર્ષથી નાના 15 લાખ બાળકો એવા છે જેઓ ઉંચાઈના પ્રમાણમાં વજન ઓછું ધરાવે છે. કુપોષિત છે. તેઓને પૂરતું પોષણ મળતું નથી. નેશનલ ફેમિલી હેલ્થ સર્વે અને ઈન્ટરનેશનલ ફૂડ પોલિસી રિસર્ચ ઇન્સ્ટિટ્યૂટના આંકડાઓ કહે છે: ગુજરાતમાં 1.26 કરોડ મહિલાઓ એવી છે જેઓ લોહીની ઉણપ ધરાવે છે. આ મહિલાઓમાં 15 વર્ષની કિશોરીથી માંડીને 49 વર્ષ સુધીની મહિલાઓનો સમાવેશ થાય છે. રાજયમાં 5 વર્ષથી નાના 80 ટકા બાળકો એવા છે જેઓ લોહીની ઉણપ ધરાવે છે ! સમગ્ર દેશમાં ગુજરાતનો આ આંકડો સૌથી ચિંતાપ્રેરક છે. દેશના કમજોર બાળકો પૈકી 25.1 ટકા બાળકો ગુજરાત માં છે. અને દેશના ઓછું વજન ધરાવતાં કુલ બાળકો પૈકી 40 ટકા બાળકો ગુજરાતમાં છે ! દેશમાં સૌથી વધુ કુપોષિત બાળકો બિહારમાં છે અને ગુજરાત આમાં બીજા ક્રમે છે ! ગુજરાતની સરખામણી બિહાર સાથે થઈ રહી છે !
નેશનલ ફેમિલી હેલ્થ સર્વે કહે છે: રાજયમાં 23.39 ટકા બાળકોનો શારીરિક વિકાસ કુપોષણના કારણે રુંધાઈ ગયો છે. અને 43 લાખ બાળકો એવા છે જેઓ લોહીની ઉણપ ધરાવે છે. રાજયમાં 6.31 લાખ નાના બાળકો અતિ નબળા છે. 15 થી 49 વર્ષની 47.95 લાખ મહિલાઓ એવી છે જેઓનું વજન ઓછું છે. 46.63 લાખ મહિલાઓ વધુ વજન ધરાવે છે, મેદસ્વી છે.
જામનગર જિલ્લામાં 3.58 લાખ મહિલાઓ લોહીની ઉણપ ધરાવે છે. અને 1.22 લાખ મહિલાઓ ઓછું વજન ધરાવે છે, નબળી છે. જામનગર જિલ્લામાં 57 હજાર બાળકો કુંઠિત છે. 48 હજાર બાળકો કમજોર છે. 25 હજાર બાળકો અતિ કમજોર છે. 58 હજાર બાળકો ઓછું વજન ધરાવે છે. 1.36 લાખ બાળકો લોહીની ઉણપ ધરાવે છે. ગુજરાતમાં પોષણ અભિયાન હેઠળ 97 ટકા ખર્ચ થાય છે. કેન્દ્ર સરકારે લોકસભામાં આપેલી માહિતી અનુસાર, ભારત સરકારે 2018/19 થી 2022/23 દરમિયાન ગુજરાતને પોષણ અભિયાન માટે રૂપિયા 304 કરોડ આપેલાં. જે પૈકી રાજય સરકારે 296 કરોડ રૂપિયા મહિલાઓ અને બાળકો પાછળ ખર્ચ કરી નાંખ્યા બાદ પણ સ્થિતિમાં સુધારો થયો નથી !!






