Mysamachar.in-ભાવનગર:
આજના સમયમાં મહિલા સહિતની કેટલીય ગેંગો એવી કાર્યરત છે જે નામાંકિત લોકોને પોતાની મોહજાળમાં ફસાવી અને બાદમાં ગેંગની સભ્ય એવી યુવતીઓ આ નામાંકિત કે પછી માલેતુજાર વ્યક્તિઓને પોતાની વાતોમાં ભોળવી અને અંગતપળોના વિડીયો અને ફોટોગ્રાફ્સ લઇ અને બાદમાં આ ગેંગના સભ્યો ક્યારેક ડુપ્લીકેટ પોલીસ બની તો ક્યારેક ભાઈ કે પિતા બની ખંડણી માંગે છે અને જો પૈસા આપવામાં ના આવે તો બદનામ કરવાની ધમકીઓ આપવામાં આવે છે આવો જ એક કિસ્સો ભાવનગરમાં સામે આવ્યો છે જ્યાં એક નામાંકિત તબીબને પોતાની મોહજાળમાં ફસાવી અને દોઢ કરોડની રકમ માંગવાનો મામલો પોલીસ સુધી પહોચતા પોલીસે આ અંગે તપાસના ચક્રો ગતિમાન કર્યા છે.
સૂત્રોએ પ્રાથમિક માહિતી આપતા જણાવ્યું કે ભાવનગરના એક નામી તબીબને અમદાવાદમાં રહેતી એક યુવતીએ તેમની સાથે મિત્રતા કેળવી મોહજાળમાં ફસાવ્યા હતા અને તબીબ સાથેનો અંગતપળોનો વીડિયો ઉતારી તેને વાયરલ કરવાની ધમકી આપી તેની પાસે દોઢ કરોડ જેટલી મસમોટી રકમની માંગ કરી હતી. બનાવના પગલે ભારે ચકચાર મચી છે.બનાવ અંગે તબીબે પોલીસનો સંપર્ક કરતા પોલીસે અલગ અલગ ત્રણ ટીમો બનાવી તપાસ હાથ ધરી છે. હની ટ્રેપ મામલે બે આરોપીઓ હાથવેંતમાં હોવાનું જાણવા મળ્યું છે. તબીબને હનીટ્રેપમાં ફસાવતા મુખ્ય સૂત્રધારને ઝડપી લેવા પોલીસે અલગ અલગ ત્રણ ટીમ બનાવી તપાસનો ધમધમાટ શરૂ કર્યો હોવાનું જાણવા મળેલ છે.