Mysamachar.in-અમદાવાદ:
ગુજરાતમાં તમારે અને મારે વીજળીના વધુ ભાવો વિવિધ કારણોસર ભોગવવા પડે છે. આ કારણો પૈકીનું આ એક કારણ તો તમારે જાણી જ લેવું જોઈએ. જેમાં તમારો કશો જ વાંક ન હોવાં છતાં તમે આર્થિક નુકસાની સહન કરી રહ્યા છો ! ગુજરાતમાં ગેસઆધારિત વીજમથકો છેલ્લાં એક વર્ષ કરતાં વધુ સમયથી બંધ હાલતમાં છે ! કારણ કે, આ વીજમથકોને ગેસનો ઉંચો ભાવ પોસાતો નથી. અને, સસ્તો ગેસ ઉપલબ્ધ નથી. ગુજરાતમાં જીસેક હેઠળનાં સરકારી વીજમથકો, રાજય સરકારની કંપનીઓનાં વીજમથકો અને કેન્દ્રીય સાહસોના એકમો મળી કુલ 2,598 મેગાવોટ ક્ષમતાના ગેસ આધારિત વીજમથકો છે.
GUVNLએ વીજળી મેળવવા આ તમામ વીજમથકો સાથે પીપીપી અંતર્ગત લાંબાગાળાના ખરીદી કરારો કર્યા છે. કરારની શરતો એવી છે કે, કોઈ કારણસર જો આ મથકો પાસેથી વીજળી ખરીદવામાં ન આવે તેવા સમયે પણ GUVNLએ આ વીજમથકોને દર મહિને આશરે રૂ. 120 કરોડ એટલે કે વર્ષે રૂ. 1,440 કરોડ ફિકસડ કોસ્ટ પેટે આપવા જ પડે ! આ વધારાનું ભારણ લેખાય. આ બોજો સરવાળે તો પ્રમાણિક વીજગ્રાહકો પાસેથી જ સરકાર વસૂલે !
વીજ ઉત્પાદન માટે RNLG એટલે કે રિગેસિફાઈડ નેચરલ લિકવિડ ગેસનો ઉપયોગ કરવામાં આવે છે. આ ગેસનો ભાવ હાલ ઉંચો છે. જો આ ગેસથી વીજ ઉત્પાદન કરવામાં આવે તો વીજળી વધુ મોંઘી પડે. તેથી આ ગેસ આધારિત વીજમથકો હાલ બંધ રાખવામાં આવ્યા છે.
જાણકારો એમ કહે છે કે, ગુજરાત સરકારે પોતાની વગનો ઉપયોગ કરી ભારત સરકાર પાસેથી સબસિડાઈઝ ગેસ મેળવવો જોઈએ. જેથી આ વીજમથકો ચાલુ કરી શકાય. વીજ ઉત્પાદન પણ વધારી શકાય અને ફિકસડ કોસ્ટ પેટે ચૂકવવા પડતાં રૂ. 1,440 કરોડ પણ બચાવી શકાય.
ભૂતકાળમાં 2016 અને 2017 માં આવું જ બનેલું. ત્યારે આ રીતે ગેસનાં ભાવ ઉંચા જતાં કેન્દ્ર સરકારે ગુજરાતને સસ્તો સબસિડાઈઝ ગેસ આપ્યો હતો. જેથી ગુજરાતમાં રૂ. 4.15 નાં ભાવે પ્રતિ યુનિટ વીજળી પેદા કરી શકાઈ હતી. આ ફોર્મ્યુલાનો ઉપયોગ હાલ પણ કરી શકાય.