Mysamachar.in: ગાંધીનગર
મકાનો સહિતની મિલકત ખરીદનારાઓને ઘણાં પ્રકારની અનિયમિતતાઓનો સામનો કરવો પડતો હોય છે. રિઅલ એસ્ટેટ ક્ષેત્રમાં બિલ્ડર્સ અને ડેવલપર દ્વારા અનેક પ્રકારની ‘દાદાગીરી’ અને ગેરરીતિઓ તથા છેતરપિંડીઓ આચરવામાં આવતી હોય છે. આ માટે ગ્રાહકોના મહત્વપૂર્ણ હિતોના રક્ષણ અર્થે ઘણાં વરસ અગાઉ ગુજરાતમાં પણ RERA કાયદો અમલમાં આવ્યો અને આ માટે સ્વતંત્ર ઓથોરિટીની પણ રચના થઈ. પરંતુ આમ છતાં, આ ક્ષેત્રમાં ગ્રાહક આજની તારીખે ખુદને લાચાર સમજી રહ્યો છે. ઓથોરિટી દ્વારા બિલ્ડર્સ અને ડેવલપર વિરુદ્ધ આકરી કાર્યવાહીઓ થતી નથી, એવી લાગણી ગ્રાહકો અનુભવી રહ્યા છે. આથી હવે ફરી મિલકત ખરીદનારાઓ રેરાને છોડી ગ્રાહક બાબતોના મંત્રાલય સમક્ષ પોતાની ફરિયાદો લઈ જઈ રહ્યા છે. રેરા માત્ર નામની ઓથોરિટી બની ગઈ છે.
અત્યંત આધારભૂત સૂત્ર અનુસાર, ઘર ખરીદનારાઓ રેરાની ભૂમિકાઓ પર સવાલ ઉઠાવી રહ્યા છે. ગ્રાહકો મંત્રાલય સમક્ષ ગયા છે અને ખુદના હિતોના રક્ષણ માટે નવી માર્ગદર્શિકા જાહેર કરવાની માંગ કરી રહ્યા છે. ગ્રાહકો કહે છે: રિઅલ એસ્ટેટ ક્ષેત્ર પર નજર રાખવા બનાવવામાં આવેલી રેરા ઓથોરિટીએ લોકોનો વિશ્વાસ ગુમાવી દીધો છે. રેરા આઠ વર્ષથી અમલમાં હોવા છતાં મિલકત ખરીદનારાઓ આજે પણ મુશ્કેલીઓનો સામનો કરી રહ્યા છે. બિલ્ડર્સ અને ડેવલપર વિરુદ્ધ ફરિયાદો છતાં આકરી કાર્યવાહીઓ થતી નથી.
ગ્રાહક બાબતોના મંત્રાલય સમક્ષ એવી રજૂઆત થઈ છે કે, રેરાની રચના પાછળ જે ઉદેશ હતો તે પૂર્ણ થયો નથી. ખુદ સુપ્રિમ કોર્ટ પણ કહે છે: રેરા અધિકારીઓ માટે બીજું ઘર બની ગયું છે. આ અધિકારીઓએ કાયદાની સમગ્ર વ્યવસ્થાઓને નિરાશા અને હતાશાથી ભરી દીધી છે. અત્રે ઉલ્લેખનિય છે કે, રિઅલ એસ્ટેટ ક્ષેત્રમાં ભ્રામક પ્રચાર, જાહેરાતો, એકતરફી કરારો અને અયોગ્ય વેપારી વ્યવહારોની બોલબાલા છે.
ઘણાં બધાં કિસ્સાઓમાં મિલકત ધારકો જ્યારે મિલકતનો કબજો લ્યે છે ત્યારે છેક તેમને જાણ થાય છે કે, તેમને બિલ્ડર્સ અથવા ડેવલપર દ્વારા જે વચનો આપવામાં આવ્યા હતાં તે પૂરાં થયા નથી, પૂરાં કરવામાં આવ્યા નથી. આવી ઘણી ફરિયાદ રેરા સુધી પહોંચે છે પણ મિલકત વેચનારા વિરુદ્ધ ચૂપકીદી સાધી લેવામાં આવે છે. ગ્રાહકો એમ વિચારે છે કે, રેરા સમક્ષ ફરિયાદ લઈ જવાનો કોઈ અર્થ નથી, આથી ઘણાં ગ્રાહકો ફરિયાદ કરવાનું પણ ટાળે છે. આ ક્ષેત્રમાં આટલી નિરાશા છે.