Mysamachar.in-ગાંધીનગર
એક તરફ રાજ્યમાં કોરોનાનો હાહાકાર મચેલો છે તો બીજી તરફ રાજ્યમાં સંભવિત વાવાઝોડાની ભીતિ પણ સેવાઈ રહી છે, આ અંગે ગુહ રાજય મંત્રી પ્રદીપસિંહ જાડેજાએ જણાવ્યું છે કે ભારતના હવામાન ખાતાના જણાવ્યા અનુસાર અરબ સાગરમાં આગામી તા.14/05/2021ના રોજ લૉ પ્રેસર સર્જાય તેવી સંભાવના છે. આ લૉ પ્રેસર તા. 16મી મેના રોજ સાયક્લોનમાં પરિણમે તો, તેને મ્યાનમાર દ્વારા “તોક્તે” (TAUKTAE) નામ અપાયેલું છે. આ સાયક્લોનની ગુજરાતના કચ્છ તથા સૌરાષ્ટ્રના દરિયા કિનારાના વિસ્તારોમાં અસર થઇ શકે એમ છે તેને ધ્યાને લઈને રાજ્યના મુખ્યમંત્રી વિજય રૂપાણીએ સમગ્ર વહીવટી તંત્રને સતર્ક રહેવા સૂચનાઓ પણ આપી દીધી છે.
તેવોએ વધુમાં જણાવ્યું છે કે આ વાવાઝોડુ દિવસો જતા ઉત્તર- ઉત્તર- પશ્વિમ દિશામાં આગળ વધે તેવી સંભાવના છે. સાયકલોન સંદર્ભે રાજય સરકારે આગોતરા આયોજનના ભાગરૂપે સલામતીના પગલા ભરવા કોવિડ પ્રોટોકોલને ધ્યાનમાં રાખીને સંબધિત જિલ્લાના કલેકટરોને સુસજ્જ રહેવા માટે રાજયના મહેસુલ વિભાગ દ્વારા કાર્યવાહી શરૂ કરી દેવાઇ છે. રાજ્યમાં આગામી ચોમાસાના પ્રિમોન્સૂન એકશન પ્લાન સંદર્ભે મુખ્ય સચિવ દ્વારા તમામ સંબધિતો સાથે રિવ્યુ બેઠક યોજીને આગોતરા આયોજનની સમીક્ષા કરી દેવાઈ છે જેમાં કેન્દ્ર સરકારની વિવિધ પાંખના વડાઓ દ્વારા પણ ઓનલાઈન જોડાઈને વિગતવાર માહિતી પૂરી પાડવામાં આવી છે જે મુજબ કાર્યવાહી હાથ ધરાશે.