Mysamachar.in-અમદાવાદઃ
રાજ્યમાં ક્યાંક ને ક્યાંક બૂટલેગરો સાથે મીલીભગત કરવાનું ખૂદ પોલીસને જ હવે ભારે પડી રહ્યું છે. અમદાવાદમાં બેફામ બનેલા બૂટલેગરોએ હોમગાર્ડ અને LRD જવાન પર સરાજાહેર ઘાતકી હુમલો કર્યો હતો, જેમાં હોમગાર્ડના જવાનનું મૃત્યું નીપજ્યું છે, જ્યારે LRD જવાનને ગંભીર ઇજા પહોંચી છે. ઘટના બાદ કહેવામાં આવી રહ્યું છે બૂટલેગરો સાથે નાણાકીય લેતી-દેતી બાબતે મામલો બીચક્યો હતો જેનું ગંભીર પરિણામ આવ્યું છે. પોલીસે આરોપીની ધરપકડ કરી વધુ કાર્યવાહી હાથ ધરી છે.
પ્રાપ્ત વિગત પ્રમાણે શહેરના બાગેફીરદોશ પોલીસ લાઈનની નજીક હોમગાર્ડ જવાન રવિ પટેલ તથા એલઆરડી બળવંતસિંહ ભડારીયા પસાર થઈ રહ્યા હતા ત્યારે બુટલેગર અને તેના માણસોએ બંનેને જાહેરમાં રસ્તા વચ્ચે ઘેરી લીધા હતા. બુટલેગરે તીક્ષણ હથિયાર વડે બંને પર હુમલો કર્યો હતો, જેમાં હોમગાર્ડ જવાન રવિ પટેલ તથા બળવંતસિંહ ભડારીયાને ગંભીર ઇજા પહોંચી હતી, બાદમાં બંનેને સ્થાનિક લોકોએ હોસ્પિટલમાં ખસેડ્યા હતા. જ્યાં સારવાર દરમિયાન રવિ પટેલનું મોત નીપજ્યું હતું. જ્યારે બળવંતસિંહ ભડારીયાની હાલત ગંભીર જણાવાઈ રહી છે. ઘટનાની જાણ થતાં અમરાઈવાડી પોલીસ કાફલા સાથે સ્થળ પર પહોંચી ગઈ હતી. પોલીસ સૂત્રોમાં ચાલતી ચર્ચા પ્રમાણે કોઈ નાણાકીય લેતી-દેતીના મામલે હત્યા કરવામાં આવી હોવાનું મનાઈ રહ્યું છે. જોકે સત્તાવાર રીતે આ બાબતને પોલીસે હજુ સમર્થન આપ્યું નથી.