Mysamachar.in-જામનગર:
દિવાળીને હવે ગણતરીના દિવસો બાકી છે ત્યારે લાંચિયાઓ યેનકેન પ્રકારે લાંચ લેશે, ત્યારે એસીબી પણ એલર્ટ થઇ ચુકી છે અને આવા લાન્ચિયાઓને ઝડપી પાડવા વોચ ગોઠવી છે, ત્યારે દિવાળી ટાણે જ જામનગરમાં એસીબીએ એક ટ્રેપ કરી છે જેમાં પોલીસ હેડ કોન્સ્ટેબલ છટકી ગયો જ્યારે વચેટીયો હોમગાર્ડ જવાન લાંચ લેતા ઝડપાઈ જતા આ મામલાએ પોલીસબેડામાં ચર્ચાઓ જગાવી છે.
આ અંગે પ્રાપ્ત પ્રાથમિક વિગતો પ્રમાણે જામનગર શહેરના સીટી ‘સી’ ડિવિઝન પોલીસ મથકના વિસ્તારમાં સમાવિષ્ટ ખોડીયાર કોલોની પોલીસ ચોકીના હેડ કોન્સ્ટેબલ કલ્પેશ ઠાકરિયા વતી રૂ.22,000ની લાંચ લેતા હોમગાર્ડ હરપાલસિંહ જાડેજા રંગેહાથ જામનગર એસીબીની ટીમને હાથે આજે બપોરે ઝડપાયો છે, તો બીજી તરફ એસીબીની ટીમે હેડ કોન્સ્ટેબલ કલ્પેશ ગઢવીની શોધખોળ હાથ ધરી છે.
સુત્રો કહે છે કે એક દારૂના કેસ મામલે પોલીસકર્મી રૂ.30,000ની લાંચની માંગણી કરી હતી. જે દારૂ સાથે દારૂનો ધંધાર્થી ઝડપાયો હતો તેણે અગાઉ 8000 રૂપિયા આપતા લાંચ માગનારે લઈ લીધા હતા. બાકીના રૂપિયા 22,000 લેવા જતા પોલીસકર્મી કલ્પેશ ઠાકરિયા (ગઢવી) વતી હોમગાર્ડ હરપાલસિંહ જાડેજા એસીબીના હાથે રંગે હાથ ઝડપાય ગયો હોવાનું સુત્રો જાણવા મળે છે.