Mysamachar.in-અમદાવાદ
હજુ તો હમણાની જ વાત છે કે અમદાવાદમાં રાત્રી કર્ફ્યું નીકળેલા એક યુવક અને તેના બનેવી પાસેથી તોડ કરવાના ગુન્હામાં ત્રણ હોમગાર્ડ જવાનો સામે ગુન્હો નોંધાયો હતો, ત્યાં જ વધુ એક કિસ્સો સામે આવતા ખળભળાટ મચી જવા પામ્યો છે, અમદાવાદ- વડોદરા એક્સપ્રેસ વે પાસે ભરબપોરે બે હોમગાર્ડના જવાનોએ NRI પાસેથી રૂ.18 હજારની રોકડ અને વિદેશી દારૂની બે બોટલ પડાવી લીધી હતી. સનગલાસ અને ઈયરપોડ પણ લઈ લીધા હતા. ઊંઝાના NRIએ રૂબરૂ પોલીસ કમિશનર સંજય શ્રીવાસ્તવને મળી રજૂઆત કરી હતી. ઝોન 5 ડીસીપીને અરજી આપ્યા બાદ 1 મહિનાની તપાસના અંતે રામોલ પોલીસ સ્ટેશનમાં બંને હોમગાર્ડ વિરુદ્ધ ગુનો નોંધી ધરપકડ કરવાની તજવીજ હાથ ધરી છે.
મહેસાણા જિલ્લાના ઊંઝા ખાતે રહેતાં સ્નેહલભાઈ જશુભાઈ પટેલ હાલમાં અમેરિકા રહે છે. સ્નેહલભાઈ અવારનવાર તેમના પરિવારજનોને મળવા માટે ઊંઝા ખાતે આવતા રહે છે. સ્નેહલભાઈ ડિસેમ્બર મહિનામાં અમેરિકાથી મુંબઈ આવ્યા અને વિલે પાર્લએ ઈસ્ટ ખાતે હોમ કોરન્ટાઈન થયા હતા. 10 ડિસેમ્બરના રોજ સ્નેહલભાઈ તેમના સાળા પ્રતિક પરીખની કાર લઈ મુંબઈથી સવારે ઊંઝા આવવા નીકળ્યા હતા.
જે બાદ અમદાવાદ એક્સપ્રેસ હાઇવે પર રામોલ ટોલટેક્સ પાસે બપોરે પહોંચ્યા ત્યારે ખાખી કપડામાં રહેલા બે શખ્સે તેમની કાર રોકી ડ્રાઇવિંગ લાઇસન્સ માંગતા તેઓએ આપ્યું હતું. બન્ને શખ્સે સ્નેહલભાઈને સાઈડમાં ઉભા રહેવા જણાવી કારમાં તપાસ શરૂ કરી હતી. સ્નેહલભાઈ તેઓને ડ્યૂટી ફ્રી શોપમાંથી કાયદેસર ખરીદેલી દારૂની બોટલ બેગમાં હોવાનું સામે ચાલીને કહ્યું હતું. ખાખી કપડામાં રહેલા શખ્સોએ ગાડી જમા લેવી પડશે. તમારે પોલીસ સ્ટેશન આવવું પડશે કેસ થશે. તેવી વાતો કરી સ્નેહલભાઈને ડરાવી દીધા હતા. સ્નેહલભાઈને બન્નેએ પતાવટ કરવી પડશે તેમ કહી ડરાવી દારૂની બે બોટલ, રોકડ રૂ.18 હજારની રકમ પડાવી અને કહ્યું કે, જતા રહો સાહેબની ગાડી આવશે. આથી સ્નેહલભાઈ કાર લઈને નીકળી ગયા હતા.
ઊંઝા પહોંચ્યા બાદ બે-ત્રણ દિવસ પછી તેઓને ધ્યાને આવ્યું કે, કારમાં મૂકેલા સનગ્લાસ, વાયરલેસ ઈયરપોડસ અને લેધર બેલ્ટની પણ ખાખી યુનિફોર્મમાં રહેલા પોલીસ જેવા લાગતા શખ્સોએ ચોરી કરી લીધી છે. 1 મહિનાની તપાસ અંતે DCP ઝોન 5 ઓફિસના સ્ટાફે સ્નેહલભાઈને હોમગાર્ડના ફોટો બતાવતા તેઓએ પૈસા પડાવનાર બે આરોપીને ઓળખી લીધા હતાં. હોમગાર્ડ જવાન રવિ દુરાઈસ્વામી ગ્રામીણ અને સુરેશ બાબુરાવ જાદવ હોવાનું બહાર આવતા રામોલ પોલીસે બન્ને હોમગાર્ડ જવાન વિરુદ્ધ ગુનો નોંધી તપાસ હાથ ધરી છે.