Mysamachar.in-
પોલીસ અને લાંચ- આ બે શબ્દો વચ્ચેનો સંબંધ લગભગ મોટાભાગના લોકો જાણે છે. સેંકડો પોલીસકર્મીઓ અને પોલીસ અધિકારીઓ લાંચમાં જલાઈ જતાં હોય છે, બાદમાં એમને આ કારણોસર નોકરીમાંથી લાંબો સમય સસ્પેન્ડ રહેવું પડતું. પરંતુ દીવાળી અને લાભપાંચમ તથા દેવદીવાળીના તહેવાર બાદ હવે, રાજ્યના ગૃહ વિભાગે આ પ્રકારના લાંચિયાઓને એક અનોખી સુવિધા કરી આપી છે, હવે આવા પોલીસકર્મીઓ અને પોલીસ અધિકારીઓને લાંબો સમય સસ્પેન્ડ નહીં રહેવું પડે, સસ્પેન્સનના સમયમાં પચાસ ટકાનો કાપ મૂકી દેવામાં આવ્યો.
રાજ્યના ગૃહવિભાગમાં 20 વર્ષથી એક નિયમ અમલી હતો કે, લાંચિયા પોલીસકર્મીઓ કે પોલીસ અધિકારીઓને બે વર્ષ સુધી સસ્પેન્ડ રાખવા. હવે ગૃહવિભાગે એક પરિપત્ર બહાર પાડ્યો. જેમાં જણાવાયું છે કે, આ રીતે લાંચમાં ઝડપાયેલા પોલીસકર્મીઓ કે પોલીસ અધિકારીઓને સસ્પેન્સનના એક વર્ષ બાદ પુન: નોકરીમાં લઈ લેવાના. તારીખ 12 નવેમ્બરના દિવસે, ગૃહવિભાગના ઉપસચિવ મયૂરસિંહ વાઘેલાની સહીથી જાહેર થયેલાં આ ઠરાવમાં વધુમાં જણાવાયું છે કે, લાંચ કેસમાં પકડાયેલા અધિકારીને એક વર્ષ બાદ ફરી નોકરી પર લઈ લેવાના રહેશે પણ આવા અધિકારી-કર્મચારીઓને બિનસંવેદનશીલ પોસ્ટ પર જ લેવાના રહેશે. તેનો અર્થ એમ થાય કે, એમને ફિલ્ડની નોકરીમાં લેવામાં આવશે નહીં. એમને એમ.ઓ.બી. કે એલ. આઈ.બી. જેવી જ બ્રાંચમાં નોકરી કરવાની રહેશે.
રાજ્યના તમામ પોલીસ કમિશનર અને જિલ્લા પોલીસ વડાઓને આ જાણ કરી દેવામાં આવી છે અને તાકીદની અસરથી તેનો અમલ કરાવવા સૂચના છે. અત્રે ઉલ્લેખનિય છે કે, આ અગાઉ રાજ્યના પોલીસ વડા અને મુખ્ય પોલીસ અધિકારીએ અગાઉના આ નિયમની સમીક્ષા કરવા ગૃહવિભાગને દરખાસ્ત દ્વારા સૂચન કરેલું. જેના આધારે આ ઠરાવ થયો. જો કે 20 વર્ષ અગાઉના 2004ના ઠરાવમાં અન્ય જે જોગવાઈઓ આ માટે હતી, તે તમામ જોગવાઈઓ યથાવત્ રાખવામાં આવી છે.