Mysamachar.in-અમદાવાદ:
જમીન અને મકાનોનો બિઝનેસ કેટલો લાભદાયી છે, એ પ્રશ્નનો જવાબ રાજ્યભરમાં કોઈને પણ પૂછો, જવાબ મળશે કે, આ લાઈનમાં ચિક્કાર નાણું છે. માત્ર ચિક્કાર નાણું છે એટલું જ નહીં, રિઅલ એસ્ટેટના આ ક્ષેત્રમાં ‘ખોટું’ કરીને વધારાનો રૂપિયો આસાનીથી અને મોટાં પ્રમાણમાં મેળવી શકાય છે. આ ક્ષેત્રમાં વિવિધ પ્રકારની છેતરપિંડીઓ પણ બેફામ ચાલી રહી છે. ખુદ સુપ્રિમ કોર્ટે સ્વીકાર્યું છે કે, દેશભરમાં બિલ્ડર્સ ગ્રાહકોને છેતરી રહ્યા છે.
ભારતીય જનતા પાર્ટીના એક નેતા આ મામલો સુપ્રિમ કોર્ટમાં લઈ ગયા છે. નેતાએ સુપ્રિમ કોર્ટમાં એક અરજી દાખલ કરેલી. સમગ્ર દેશમાં બિલ્ડર્સ અને મિલકતના ખરીદદારો વચ્ચેના સોદા માટે જુદાં જુદાં નિયમો હોવાથી ઠગાઈને કારણે મકાન ખરીદનારાઓએ નુકસાન વેઠવું પડે છે. આ મુદ્દે સર્વોચ્ચ અદાલતે કહ્યું કે, સમગ્ર દેશમાં મકાનો ખરીદ કરનારાઓ સાથે બિલ્ડર્સ છેતરપિંડીઓ કરી રહ્યા છે. આ સ્થિતિમાં મકાનો ખરીદનાર છેતરાઈ નહીં એ માટે મિલકતો ખરીદવા માટે દેશભરમાં એકસરખા નિયમો હોવા જોઈએ.
રાષ્ટ્રીય સ્તરે બિલ્ડર-ગ્રાહક કરારમાં સમાનતા લાવવાની જરૂર હોવાનું સર્વોચ્ચ અદાલતના મુખ્ય ન્યાયમૂર્તિની ખંડપીઠે જણાવ્યું છે. ભાજપાના નેતાએ આ અરજી 2020માં કરી હતી, જેની સુનાવણી શરૂ થઈ છે. મુખ્ય ન્યાયમૂર્તિએ કહ્યું: દરેક ઠેકાણે બિલ્ડર ગ્રાહકને છેતરે છે, આથી નિયમમાં એકરૂપતા જરૂરી છે. આ સુનાવણી અગાઉ કોર્ટ મિત્ર દ્વારા સ્ટેટ્સ રિપોર્ટ અને કરારનો ડ્રાફ્ટ અદાલતના રેકર્ડ પર મૂકવામાં આવ્યો હતો.
આ અરજી અનુસંધાને રાજ્ય સરકારો તરફથી પણ સૂચનો આપવામાં આવ્યા હતાં. જેનો સમાવેશ કરાર ડ્રાફ્ટમાં કરવામાં આવ્યો છે. સર્વોચ્ચ અદાલતે કહ્યું: અમે ડ્રાફ્ટ અને રિપોર્ટ જોઈશું અને બિલ્ડર્સની દેશની સૌથી મોટી સંસ્થા ક્રેડાઈએ આ બાબતે જે વાંધાઓ નોંધાવ્યા છે, તેનો પણ અભ્યાસ કરવો જોઈએ. સમગ્ર દેશના તમામ રાજ્યો અને કેન્દ્રશાસિત પ્રદેશો માટે એકસમાન નિયમ તૈયાર કરવામાં આવશે. આ મામલાની આગામી સુનાવણી 19મી જૂલાઈએ થશે.
અત્રે એ પણ નોંધનીય છે કે, આ અગાઉ 2022માં પણ સુપ્રિમ કોર્ટ દ્વારા કહેવાયું હતું કે, નેશનલ મોડલ બિલ્ડર-બાયર એગ્રીમેન્ટ હોવો જોઈએ. તેનાથી મકાન ખરીદનારાઓને કોઈ મુશ્કેલીઓ નહીં થાય. ઘણાં કિસ્સાઓમાં રિઅલ એસ્ટેટ ડેવલપર મકાન ખરીદનારાઓ પર બિનજરૂરી શરતો લાદી દેતાં હોય છે. અદાલતનું કહેવું હતું કે, મધ્યમવર્ગના ગ્રાહકોને આથી મુશ્કેલીઓ વેઠવી પડે છે. આ ઉપરાંત સર્વોચ્ચ અદાલતે કેન્દ્ર સરકારને પણ કહ્યું કે, જ્યારે પણ બિલ્ડર અને ગ્રાહક વચ્ચે હાઉસિંગ એગ્રીમેન્ટ તૈયાર થાય ત્યારે ભરવા માટેનું એક સ્ટાન્ડર્ડ ફોર્મ તૈયાર હોવું જોઈએ.(symbolic image source:google)