Mysamachar.in-જામનગર:
જામનગરમાં આજે સવારે મીઠાઈના એક જાણીતા વેપારીએ પોતાના લમણે રિવોલ્વરની ગોળી ધરબી લઈ જિંદગીનો અંત આણી લેતાં વેપારી વર્તુળમાં આંચકાજનક શોકનું વાતાવરણ છવાઈ ગયું છે. જો કે, વહેલી સવારના આ બનાવ અંગે હજુ સુધી કશી જ સત્તાવાર વિગતો જાહેર થવા પામી નથી તેથી વધુ વિગતો બહાર આવી શકી નથી.
જામનગરના નાગેશ્વર વિસ્તારમાં આવેલાં સુપ્રસિદ્ધ સિધ્ધનાથ મહાદેવ મંદિર નજીકના બાલનાથ મહાદેવ મંદિર બહાર આપઘાતનો આ બનાવ બન્યો છે. શહેરની H.J.Vyas નામની મીઠાઈની જાણીતી પેઢીના માલિક જયંતભાઈ વ્યાસે આપઘાત કરી લીધો છે. બહાર આવેલી વિગતો અનુસાર, તેમણે રિવોલ્વર વડે જાતે લમણે ગોળી ધરબી લઈ આપઘાત કર્યો છે. જયંતભાઈને લોહી નીકળતી હાલતમાં જીજી હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતાં પરંતુ રિવોલ્વરની આ ગોળી જિવલેણ સાબિત થઈ. પોલીસે મૃતદેહના પોસ્ટમોર્ટમ સહિતની કાર્યવાહીઓ હાથ ધરી છે.
આ ઘટનાની જાણ થતાં પોલીસ ટૂકડી ઘટનાસ્થળે શિવાલય ખાતે દોડી ગઈ છે અને પૂછપરછ તથા તપાસ શરૂ કરવામાં આવી છે. જો કે બનાવ સ્થળેથી કોઈ સુસાઈડ નોટ મળી આવી છે કે કેમ અને નોટમાં શું લખેલું છે તથા આ રિવોલ્વરનું લાયસન્સ કોના નામે નોંધાયેલું છે વગેરે વિગતોની જાણકારીઓ તપાસ બાદ જ જાહેર થઈ શકશે. એમ કહેવાય છે કે, જયંતભાઈએ વહેલી સવારે સાડા પાંચ વાગ્યા આસપાસ મોત મીઠું કરી લીધું હતું. આ બનાવ જાહેર થતાં શહેરના ખાસ કરીને મીઠાઈના વેપારીઓમાં આંચકાજનક શોક અને ઉતેજનાનું વાતાવરણ છવાઈ ગયું છે.