Mysamachar.in:દિલ્હી:
સુપ્રિમ કોર્ટે આજે એક ઐતિહાસિક ચુકાદો આપ્યો છે. આ ચુકાદાની દૂરોગામી અસરો ખૂબ જ વ્યાપક હશે. કેમ કે, આ ચુકાદો એવી ખાનગી મિલકતો સંબંધિત છે, જે મિલકતો સરકાર દ્વારા જનકલ્યાણ અથવા વિકાસના નામે સંપાદન હેઠળ મેળવી લેવામાં આવતી હોય છે. જો કે, આ માટેની સંપૂર્ણ વિગતો હવે બહાર આવશે પરંતુ હાલ ચુકાદામાં એટલું સ્પષ્ટ કહેવાયું છે કે, સરકાર જનકલ્યાણના નામે કોઈ ખાનગી મિલકત પર કબજો કરી શકે નહીં.
અત્રે ઉલ્લેખનિય છે કે, અગાઉ 1978થી અત્યાર સુધી એવા ચુકાદાઓ આવ્યા હતાં કે, વિશાળ હિત ખાતર સરકાર ખાનગી મિલકતો પર કબજો મેળવી શકે છે. અત્યાર સુધી આ બધાં ચુકાદા સમાજવાદી થીમ આધારિત હતાં. હવે આ નવા ચુકાદાથી પરિસ્થિતિઓ પલટાઈ ગઈ છે. હવે સરકારો જમીન સહિતની ખાનગી મિલકતો કેવી રીતે હસ્તગત કરી શકશે ? એ પ્રશ્ન છે. આ માટેના નિયમો અને જોગવાઈઓ હવે જાહેર થશે.
આજે સુપ્રિમ કોર્ટના મુખ્ય ન્યાયમૂર્તિ સહિત કુલ 9 જસ્ટિસની ખંડપીઠ દ્વારા આ ચુકાદો આપવામાં આવ્યો. આ ચુકાદો 7 વિરુદ્ધ 2 જસ્ટિસની ખંડપીઠે આપ્યો. 7 જજોએ બહુમતીથી લેખિત આપ્યું કે, તમામ ખાનગી મિલકતો ભૌતિક સંસાધનો નથી, અને તેથી તે સરકારો દ્વારા કબજે કરી શકાય નહીં. આ ચુકાદો એ મુદ્દા પર આવ્યો કે, શું રાજ્ય જનકલ્યાણ માટે ખાનગી મિલકત પર કબજો કરી શકે છે ? જો કે, આ ચુકાદામાં એમ કહેવાયું છે કે, સરકાર આમ છતાં એવા સંસાધનો પર દાવો કરી શકે છે, જે લોકોના ભલા માટે ભૌતિક અને સમુદાયની માલિકીના હોય. તેનો અર્થ એવો પણ નીકળી શકે કે, ભવિષ્યમાં પણ ગૌચરની જમીનોનો ઘડોલાડવો થઈ શકે છે.