Mysamachar.in-દેવભૂમિ દ્વારકા:
દેવભૂમિ દ્વારકા જિલ્લામાં અગાઉ ભાગ્યે જ યોજવામાં આવ્યો હોય એવો ધાર્મિક મહોત્સવ તથા ઋણ સ્વીકાર કાર્યક્રમ આગામી શનિવારે ખંભાળિયા નજીકના કામઈ ધામ ખાતે યોજવામાં આવ્યો છે. સમરસ, સમર્પણ, વંદના કાર્યક્રમમાં કામઈ ધામ ખાતે મોટી સંખ્યામાં બ્રહ્મ સમાજ તથા ભક્તોની ઉપસ્થિતિમાં સૈકાઓ અગાઉ ધર્મ માટે યોગદાન આપનાર તમામ વ્યક્તિઓનું ઋણ સ્વીકાર કરવામાં આવશે. આ પ્રસંગે વિશાળ અને ભવ્ય દીપમાળા વર્લ્ડ રેકોર્ડ સર્જે તે પ્રકારનું સુંદર આયોજન પણ કરવામાં આવ્યું છે.હિન્દુ સમાજમાં ખાસ કરીને ગઢવી- ચારણ સમાજની સાથે જેમાં અઢારે વર્ણની અનેરી આસ્થા છે, તે પૂજ્ય શ્રી કામઈ માતાજીના અનેક પરચાઓ હજરાહજૂર છે, અહીં માતાજીની આસ્થા સાથેના મંદિરો અને સ્થાનકો ગ્રામજનો દ્વારા આસ્થાપૂર્વક પૂજન-અર્ચન કરવામાં આવે છે. આટલું જ નહિ, સામાજીક સમરસતાના પ્રતિક સમાન કામઈ માતાજીને અઢાર વર્ણના જવાર ચડે છે.
પૂજ્ય માતાજીની આસ્થા સ્વરૂપે ખંભાળિયાથી પંદર કિલોમીટર દૂર આશરે 300 વીઘા જગ્યામાં કામઈ ધામનું નિર્માણ કરવામાં આવ્યું છે. આ સ્થળે વર્ષ 2012માં 21,000 વૃક્ષોના વાવેતર સાથે 111 કુંડી યજ્ઞ પૂજ્ય રમેશભાઈ ઓઝાની ખાસ ઉપસ્થિતિમાં યોજવામાં આવ્યો હતો. અહીં વિશાળ જંગલનું કુદરતી નિર્માણ થયું છે. આશરે પાંચ સદી જૂના આ સ્થળે અહીંના ભક્તો તથા આગેવાનો દ્વારા આગામી શનિવાર તારીખ 1 જાન્યુઆરીના રોજ વિશિષ્ટ અને ધાર્મિક કાર્યક્રમનું અતિભવ્ય આયોજન હાથ ધરવામાં આવ્યું છે.પૂજ્ય કામઈ માતાજીની સાથે બલિદાન આપનારા નાગાજણ વારસાખીયાને યાદ કરી અહીં, ઋણ વંદના કાર્યક્રમ યોજવામાં આવ્યો છે. આ પ્રસંગે શનિવારે આખો દિવસ બ્રાહ્મણો તેમજ સંતો-મહંતોની વિશેષ ઉપસ્થિતિમાં અનેકવિધ ધર્મમય આયોજનો કરવામાં આવ્યા છે.
સમરસ, સમર્પણ અને વંદનાના આ કાર્યક્રમમાં શનિવારે સવારે 9 વાગ્યે મૂર્તિ સ્થાપન યજ્ઞ બાદ બપોરે ત્રણ વાગે માતાજીની છડી યાત્રાનું આયોજન કરવામાં આવ્યું છે. આ પછી સાંજે છ વાગ્યે કામઈ માતાજીની મહાઆરતીનું આયોજન કરાયું છે. જેમાં વિશ્વવિખ્યાત કલાકાર કિર્તીદાન ગઢવીના મુખે આરતી ગાયન તથા સુવિખ્યાત અંબાવાડી કલાવૃંદના બહેનો દ્વારા નૃત્ય વંદના કાર્યક્રમ યોજવામાં આવ્યો છે. આ સાથે સાંજે સાડા છ વાગ્યે સમરસ, સમર્પણ, વંદના કાર્યક્રમમાં પૂજ્ય શ્રી કામઈ માતાજી પ્રત્યે સમર્પણ દાખવી બલિદાન આપનાર માતાજીના પુજક શ્રી નાગાજણ વારસાખીયાનું સ્મરણ કરી, તેમનું સન્માન કરવા સાથે કામઈ ધામમાં વિવિધ રીતે યોગદાન આપનારા તમામનો જાહેર ઋણ સ્વીકાર કરવામાં આવશે.આ ઉપરાંત શનિવારે રાત્રે નવ વાગ્યે યોજવામાં આવેલા લોકડાયરામાં કિર્તીદાન ગઢવી, ભીખુદાન ગઢવી, બિહારી હેમુ ગઢવી, ધીરુભાઈ સરવૈયા, જીગ્નેશ બારોટ સહિતના કલાકારો તેમના સાજીંદાઓ અને ગાયકો સાથે કલાની રમઝટ બોલાવશે.
-વિશિષ્ટ મહાઆરતી સર્જશે વિશ્વ વિક્રમ
આ ધાર્મિક મહોત્સવમાં શનિવારે સાંજે મહાઆરતીનું પણ ભવ્ય આયોજન કરવામાં આવ્યું છે. અહીં કાશીથી ભૂદેવો પારંપરિક વસ્ત્રો સાથે ખાસ ઉપસ્થિત રહેશે અને અહીંના બ્રાહ્મણો ખાસ જોડાઈને પૂજન વિધિ સાથે એક સરખા પરિવેશમાં મહાઆરતીમાં જોડાશે. આટલું જ નહિ, આ સ્થળે 11,000 દિપમાળાના દર્શન તેમજ મોટી સંખ્યામાં બહેનો માથા ઉપર દીપમાળા રાખી અને નૃત્ય વંદના કરશે. જે એક વિશ્વ વિક્રમ બની રહેશે. આ સમગ્ર આયોજનની જવાબદારી બ્રહ્મ સમાજના આગેવાનો- હોદ્દેદારોને સોંપવામાં આવી છે. જે માટે જુદા જુદા વિસ્તારોમાંથી બ્રાહ્મણો ખાસ ઉપસ્થિત રહેશે. જેની નોંધ વર્લ્ડ રેકોર્ડ સંસ્થા દ્વારા લેવામાં આવશે.આ સમગ્ર ધર્મોત્સવનું લાઇવ પ્રસારણ કરવામાં આવશે. યુ ટ્યુબ લિંક મારફતે પણ દેશ-વિદેશમાં લોકો આ ધાર્મિક કાર્યક્રમને નિહાળી શકશે.
-ભાજપ પ્રદેશ પ્રમુખ સહિતના મહાનુભાવોની ઉપસ્થિતિઆ સમરસ વંદના કાર્યક્રમમાં ભારતીય જનતા પાર્ટીના પ્રદેશ પ્રમુખ
સી.આર. પાટીલ, કેબિનેટ મંત્રીઓ, રાજ્યકક્ષાના મંત્રીઓ, ધારાસભ્યો, વિગેરે પણ ખાસ ઉપસ્થિત રહેશે. ધાર્મિક મહોત્સવ, ટેબ્લો પ્રદર્શન તેમજ સમૂહ પ્રસાદના આ ભવ્ય કાર્યક્રમની તડામાર તૈયારીઓ માટે વિવિધ કમિટીઓ જહેમત ઉઠાવી રહી છે, આ કાર્યક્રમોમાં ધર્મપ્રેમી જનતા તથા માતાજીના ભક્તોએ જોડાવા માટે કામઈ ધામ સેવા સમિતિ અને કામઈ માતાજી સંસ્થાપન ટ્રસ્ટ, શ્રી સમસ્ત ચારણ/ગઢવી સમાજ તથા દેવભૂમિ દ્વારકા જિલ્લા ભારતીય જનતાપાર્ટી પરિવાર દ્વારા અપીલ કરવામાં આવી છે.