Mysamachar.in-જામનગર:
આજે અતિ મહત્ત્વની આ વખતની લોકસભા ચૂંટણીઓ પહેલાંનો અંતિમ દિવસ. આવતીકાલે મતદાનનો સૌથી મહત્ત્વનો દિવસ. આજની રાતે બધાં જ રાજકીય પક્ષો અને ઉમેદવારો બધું જ કરી છૂટશે. મોડે સુધી સૌ જાગશે. આમ તો જો કે, છેલ્લા બે ત્રણ દિવસથી સૌની દોડધામ ચરમસીમા તરફ સરકી રહી છે. શનિવારે ભારતીય જનતા પાર્ટીએ જામનગર શહેરના ઉત્તર વિધાનસભા મતવિસ્તારમાં ઐતિહાસિક રેલી યોજી હતી. આમ તો આ રેલી બાઈક રેલી હતી પરંતુ સમગ્ર રૂટ પર રેલીનું પ્રદર્શન રોડ-શો જેવું રહ્યું. પૂનમબેન માડમના આ રોડ-શો માં સેંકડો આગેવાનો અને કાર્યકર્તાઓ જોડાયા હતાં.
જામનગર લોકસભા બેઠકના ભારતીય જનતા પાર્ટીના સતત ત્રીજી વખતના ઉમેદવાર અને બે ટર્મથી સાંસદ પૂનમબેન માડમના સમર્થનમાં 79 જામનગર વિધાનસભા મતવિસ્તારમાં રેલી યોજાયા બાદ, શનિવારે 78 જામનગર ઉત્તર વિધાનસભા મતવિસ્તારમાં પૂનમબેન માડમની ભવ્ય રેલી આયોજિત કરવામાં આવેલી. જેમાં આ મતવિસ્તારના ધારાસભ્ય રિવાબા જાડેજા સાથે રહ્યા હતાં. રેલીના સમગ્ર રૂટ પર, પૂનમબેન માડમનું ઠેરઠેર પુષ્પવૃષ્ટિ કરી, કુમકુમ તિલક સાથે ફુલહારથી ભવ્ય સ્વાગત કરવામાં આવ્યું હતું.
પૂનમબેન માડમના સમર્થનમાં યોજાયેલો આ ભવ્ય રોડ-શો શનિવારે સાંજે 06-00 વાગ્યે શરૂ થઈ સમગ્ર મતવિસ્તારમાં ઘૂમતો જોવા મળેલ હતો. સમગ્ર મતવિસ્તારમાં ઠેરઠેર ઉમંગનું વાતાવરણ અનુભવાયું હતું. જામનગર શહેર માટે ઐતિહાસિક કહી શકાય એવા આ ભવ્ય રોડ-શોમાં પૂનમબેન માડમને પ્રચંડ જનસમર્થન પ્રાપ્ત થયું હતું.
આ ભવ્ય રોડ-શો જામનગર ઉત્તર વિધાનસભા મતવિસ્તારના પાર્ટીના મધ્યસ્થ ચૂંટણી કાર્યાલય ( સરૂ સેક્શન) થી પ્રારંભ પામ્યો હતો. બાદમાં 80 ફૂટ રિંગ રોડ, દિગ્જામ ઓવરબ્રિજ, મહાકાળી સર્કલ, બાલાજી પાર્ક, તિરૂપતિ મહાદેવ મંદિર, બેડી રિંગ રોડ, હનુમાન ટેકરી, વોર્ડ નંબર પાંચમાં નીલકમલ ચોકડી, જય ભગવાન સોસાયટી, સત્ય સાંઈ રોડ, વાલકેશવર નગરી, મહાવીર સોસાયટી, જોગર્સ પાર્ક, વોર્ડ નંબર ત્રણના ડીકેવી રોડ, હિંમતનગર રોડ, વિકાસ ગૃહ રોડ, ભૂતિયા બંગલા રોડ ઉપર થઈ વોર્ડ નંબર બે ના બળિયા હનુમાન મંદિર, ગાંધીનગર, અન્નપૂર્ણા ચોક, આશાપુરા માતાજી મંદિર, રામેશ્વર ચોક થઈ વોર્ડ નંબર ચારના પટેલવાડી, માતૃ આશિષ સોસાયટી થઈ ગાયત્રી ચોક, ભીમવાસ ઢાળિયા થઈ વોર્ડ નંબર દસના સ્મશાન ચોક, વોર્ડ નંબર અગિયારમાં રંગમતી, રવિ પાર્ક અને ગુલાબનગર વિસ્તારમાં આ રોડ-શો સંપન્ન થયો હતો. સમગ્ર બાઈકરેલીના રૂટ પર સાંસદ પૂનમબેન માડમ માટે વિશેષ રથ તૈયાર કરવામાં આવ્યો હતો, આ રથમાં આ મતવિસ્તારના ધારાસભ્ય રિવાબા જાડેજા, શહેર બીજેપી પ્રમુખ વિમલભાઈ કગથરા સવાર થયા હતાં.
આ ઉપરાંત રેલી જેજે વિસ્તારમાંથી પસાર થાય તે તે વિસ્તારના કોર્પોરેટરને રેલીમાં જોડવામાં આવ્યા હતાં. અને ક્રમશ: કોર્પોરેટરોની અદલાબદલી કરવામાં આવી હતી. આ ભવ્ય રોડ-શો દરમિયાન ઠેરઠેર પૂનમબેન માડમનું પુષ્પ વૃષ્ટિથી સ્વાગત કરવામાં આવ્યું હતું. પ્રત્યેક વિસ્તારમાં પૂનમબેન માડમને પ્રચંડ જનસમર્થન પ્રાપ્ત થયું હતું. આ ભવ્ય રેલી નિહાળીને જામનગર બેઠક પર પૂનમબેન માડમનો ભવ્ય વિજય થશે એવું વાતાવરણ જોવા મળેલ હતું.
આ ભવ્ય રેલીમાં જામનગર શહેર બીજેપીના અગ્રણીઓ, કોર્પોરેટરો તેમજ રેલીમાં જોડાયેલા 900થી વધુ સંખ્યાના ભાજપાના કાર્યકરો, જુદાં જુદાં વોર્ડના કાર્યકર્તાઓએ પોતાના વાહનમાં ભાજપાના ઝંડા, કેસરી ખેસ, માથે કેસરી ટોપી પહેરીને તેમજ કમળના કટઆઉટ સાથે આ રેલીમાં જોડાયા હતાં. જેમાં ડીજેના તાલે અબ કી બાર, 400 કે પાર અને ફિર એક બાર, મોદી સરકારના પ્રચંડ નારા ગજાવ્યા હતાં. ભારત માતાકી જય ના વિજયઘોષ સાથે સમગ્ર રેલીના રૂટ પર કેસરિયો માહોલ છવાઈ ગયો હતો.
આ વિશાળ રેલીમાં પૂનમબેન માડમ, ધારાસભ્ય રિવાબા જાડેજા, શહેર બીજેપી પ્રમુખ વિમલભાઈ કગથરા, મહામંત્રીઓ પ્રકાશ બાંભણિયા, મેરામણભાઈ ભાટુ તથા વિજયસિંહ જેઠવા, આ મતવિસ્તારના પ્રભારી સુરેશભાઈ વસરા, સંયોજક ધર્મરાજસિંહ જાડેજા, મેયર વિનોદભાઈ ખીમસૂર્યા, ડેપ્યુટી મેયર ક્રિષ્નાબેન સોઢા, સ્ટેન્ડિંગ કમિટી ચેરમેન નિલેષભાઈ કગથરા, શાસક જૂથના કોર્પોરેશનના નેતા આશિષ જોષી, દંડક કેતન નાખવા, જિલ્લા સહકારી બેંકના ચેરમેન જિતુભાઈ લાલ, બીજેપીના પૂર્વ શહેર પ્રમુખો હસમુખ હિંડોચા, મુકેશ દાસાણી, હિતેન ભટ્ટ, અશોક નંદા, નિલેશ ઉદાણી, પૂર્વ મેયરો અમીબેન પરીખ, ડો. અવિનાશ ભટ્ટ, સનત મહેતા, દિનેશ પટેલ, હસમુખ જેઠવા, બિનાબેન કોઠારી ઉપરાંત શહેર બીજેપીના પૂર્વ મહામંત્રીઓ, પૂર્વ ડેપ્યુટી મેયર કરશન કરમૂર, નગરસેવકો, પક્ષના વિવિધ વોર્ડના હોદ્દેદારો, બુથ પ્રમુખો ઉપરાંત પક્ષના સેંકડો કાર્યકર્તાઓએ આ રેલીમાં ભાગ લીધો હતો. સમગ્ર કાર્યક્રમની વ્યવસ્થા આ વિધાનસભા મતવિસ્તારના કાર્યાલય મંત્રીઓ કેતન જોષી તથા સંજય મકવાણાએ સંભાળી હતી. આ રેલી દરમિયાન ચૂંટણી આચાર સંહિતાના પાલન માટે રાત્રે દસ વાગ્યે લાઉડસ્પીકર બંધ કરી દેવામાં આવ્યા હતાં.