Mysamachar.in-અમદાવાદ:
મહાનગરોની મહાનગરપાલિકાઓ અને વિવિધ સરકારી વિભાગોમાં આઉટસોર્સ અને કરારબદ્ધ કર્મચારીઓની ભરતીઓ કરવાનું સૌ સંબંધિતોને જુદાં જુદાં કારણોસર બહુ અનુકૂળ આવી રહ્યું છે અને તેની પાછળ રાજ્યભરમાં કરોડો રૂપિયાનો ખર્ચ પણ થઈ રહ્યો છે, બીજો મુદ્દો એ છે કે આટલાં તોતિંગ ખર્ચ છતાં કામોની ગુણવત્તા ચર્ચાસ્પદ બનતી રહે છે. હવે, આ બધી બાબતોને સ્કેનર હેઠળ લાવવામાં આવી રહી છે.
રાજ્યનો નાણાં વિભાગ આગામી નાણાંકીય વર્ષ 2025-26 માટેની બજેટની તૈયારીઓ શરૂ કરી રહ્યો છે. અત્રે ઉલ્લેખનિય છે કે, ઘણાં વિભાગ એવા પણ હોય છે જેમાં 31/03 સુધીમાં ફાળવાયેલી રકમો વણવપરાયેલી પડી રહેતી હોય છે. આ સમયે આગામી બજેટમાં સમાવેશ કરવા માટેની નવી સેવાઓ અને નવી બાબતોને મંજૂરીઓ માટેની દરખાસ્તો અને અંદાજો નાણાં મંત્રાલય દ્વારા વિવિધ વિભાગો પાસેથી મંગાવવાનું શરૂ થયું છે.
નાણાં મંત્રાલયે દરેક વિભાગોને ખાસ તાકીદ કરી છે કે, બિનજરૂરી મહેકમ અને કચેરી ખર્ચમાં કાપ મૂકવામાં આવે. ઘટાડો કરવામાં આવે. સ્ટાફ કાર તરીકે નવા વાહનોની ખરીદીઓ પર પણ બ્રેક આવશે. આ સેવાઓ આઉટસોર્સ તરીકે લેવામાં આવે અને આ દરખાસ્તનો નવી બાબતમાં સમાવેશ કરવામાં ન આવે, એવી પણ તાકીદ કરવામાં આવી છે.
આ સાથે દરેક વિભાગને કહેવાયું છે કે, પ્રથમ વખત આઉટસોર્સ અથવા કરારબદ્ધ કર્મચારીઓ લેવા બાબતે જરૂરી અધિકારીઓ અને કર્મચારીઓ લેવા, કચેરીની હયાત કામગીરીઓ અને કાર્યભારણના વાજબીપણાંની વિગતો અને હયાત કામગીરીઓની સમીક્ષા અંગેનો રિપોર્ટ પણ રજૂ કરવાનો રહેશે. જો આવી સેવાઓ અંગે 3 વર્ષની જરૂરિયાત અને તે પછીની સમીક્ષા કરી, વિભાગને તે જગ્યાઓ નિયમિત કરવાની જરૂરિયાત અંગે દરખાસ્ત કરી શકાશે, એમ પણ નાણાં મંત્રાલયે જણાવ્યું છે.
વિભાગોમાં નિયમિત પગારધોરણની નવી જગ્યાઓ કે મહેકમ ઉભું કરવા માટે મંજૂર, ભરાયેલી અને ખાલી જગ્યાઓનો સમીક્ષા સાથેનો અહેવાલ રજૂ કરવો પડશે. કચેરીના સેટ અપ, પિરામિડ સ્ટ્રક્ચર, મળવાપાત્ર જગ્યાઓ કેટલી જરૂરી છે તે ઉપરાંત હયાત જગ્યાઓ મર્જ કરવા, રદ્દ કરવા કે પુન:ગઠન કરવા અંગે સ્ટડી રિપોર્ટ પણ રજૂ કરવા જણાવવામાં આવ્યું છે.
આ સાથે જ નિયમિત, આઉટસોર્સ કે કરારબદ્ધ નવી જગ્યાઓ અને નવા વાહનોની જરૂરિયાત અંગે 30મી સપ્ટેમ્બર પહેલાં અંદાજો મોકલવા તેમજ નવી યોજનાઓ અંગે 15 ઓક્ટોબર સુધીમાં માહિતીઓ મોકલવા પણ નાણાં મંત્રાલય દ્વારા તાકીદ કરવામાં આવી હોવાનું મંત્રાલય સાથે સંકળાયેલા સૂત્ર જણાવે છે.(symbolic image source:google)