Mysamachar.in-અમદાવાદઃ
છેલ્લા કેટલાક સમયથી પ્રદુષણની સમસ્યા વિકરાળ બની છે, પ્રદુષણ ફેલાવવામાં વાહનોનો મહત્વનો ફાળો રહેલો છે. આ બાબતને ગંભીરતાથી લઇને હાઇકોર્ટે મહત્વનો ચૂકાદો આપ્યો છે. હાઇકોર્ટે વાહનવ્યવહાર કચેરીને આદેશ આપ્યા છે કે BS 4 સ્પેસિફિકેશન ના ધરાવતા હોય તેવા વાહનોનું આરટીઓ રજીસ્ટ્રેશન ન કરે તથા અન્ય રાજ્ય કે શહેરમાંથી આવતા વાહનના રી-રજીસ્ટ્રેશન માટે પણ BS-4 સ્પેસિફિકેશનનું વાહન હોવું જરૂરી બનશે. આ સિવાય રાજ્યમાં bs2 અને bs3 સ્પેસિફિકેશન વાળા વાહનોનું રી રજીસ્ટ્રેશન પણ નહીં થઈ શકે.રાજ્યમાં વધી રહેલા વાયુ પ્રદુષણને લઈને હાઈકોર્ટે આ મહત્વનો આદેશ કરતા નોંધ્યું કે સ્વચ્છ પર્યાવરણ એ લોકોનો મૂળભૂત બંધારણીય અધિકાર છે અને વાહનોથી ફેલાતા વાયુ પ્રદૂષણને ડામવા માટે અંકુશ જરૂરી છે. સાથે સાથે કુદરતી સંસાધનોના થતા દુરુપયોગ અને એના થી પર્યાવરણને નુકસાન અને તેને કારણે ફેલાતા પ્રદુષણ અંગે પણ પોતાના ચુકાદામાં ટિપ્પણી કરી છે. હાઈકોર્ટ પોતાના ચુકાદામાં નોંધ્યું છે કે, કુદરતી સંસાધનોનો એવો ઉપયોગ ના થવો જોઈએ કે જેથી બગડેલી પરીસ્થીતીને સુધારી ન શકાય તેવી ગંભીર સ્થિતિનું નિર્માણ થાય.