Mysamachar.in-જામનગર:
સોનું સોનું છે અને સોનાનો કોઈ વિકલ્પ નથી, એમ ભલે સૌ કહે પણ હકીકત એ છે કે, તોતિંગ ભાવને કારણે ગ્રાહકનું દિલ હવે પ્યોર ગોલ્ડ તરફથી મોઢું ફેરવી ચૂક્યુ છે. ગત્ વર્ષની સરખામણીએ આ વર્ષે ખરીદીમાં જબ્બર કાપ આવી ગયો છે. સામાન્ય ખરીદદાર તો સોનીબજાર તરફ સોનું ખરીદવા તો ઠીક, ઘૂઘરા-દાલપકવાન ખાવા પણ નથી જતો !
સોનાચાંદી બજારના સૂત્ર અનુસાર, અતિશય ઉંચા ભાવને કારણે ગત્ વર્ષની સરખામણીએ આ વર્ષે, આ બંને કિંમતી ધાતુની ખરીદીમાં સીધો જ 30 ટકા જેવો તોતિંગ કાપ આવી ગયો છે. અને, જે લોકોએ ‘ફરજિયાત’ સોનું ખરીદવું પડે છે તે હવે 22-24 કેરેટના ભાવ જ નથી પૂછતાં. ઓછા કેરેટના સોનાની ખરીદી થઇ રહી છે.
સૂત્ર અનુસાર, બજારમાં 9 થી 18 કેરેટના સોનાના દાગીનાનું ચલણ વધી ગયું. ખાલી ચમકે પણ ‘કસ’ ન હોય એવા નબળાં સોના પર પસંદગી ઉતારવા ગ્રાહકો મજબૂર બની ગયા છે. ભાવની તેજી ધંધામાં મંદી લાવી ! સોનાચાંદીના વેપારીઓ ઘડામણ ‘ફ્રી’ થી માંડીને વિવિધ પ્રકારના ડિસ્કાઉન્ટનો વરસાદ વરસાવી ગ્રાહકોને ભીંજાવાની મજા માણવા લલચાવી રહ્યા છે.
આ બજારમાં રક્ષાબંધનથી માંડીને દશેરા સુધી ફિકાશ જોવા મળી અને ધનતેરસ આવી પહોંચી છતાં બજારમાં કયાંય ‘ખરીદીતોફાન’ જોવા મળતું નથી. વેપારીઓ માને છે છેલ્લી ઘડીએ ‘પવન’ ફૂંકાવાની શકયતાઓ છે. પુષ્યનક્ષત્રની ચમક પણ ધારદાર ન રહી. રોકાણકારો લગડી લઈ રહ્યા છે, એ એક અલગ બાબત છે- એવરેજ ઘરાકી નિલ છે, બહુ ઓછી છે.