Mysamachar.in-અમદાવાદ:
જે માણસે આખી જિંદગી નોકરી કરી હોય, એ માણસે પોતાના કાયદેસરના નિવૃતિ લાભો પ્રાપ્ત કરવા, સરકાર સામે અદાલતના પગથિયાં ચઢવા પડે એ બાબત શરમજનક કહેવાય. વડી અદાલતે એક મામલામાં આમ કહ્યું. આ મામલામાં સરકારી અધિકારીઓ વિરુદ્ધ અદાલતના તિરસ્કારનો મામલો પણ હતો.
વડી અદાલતે એક મામલામાં ગત્ જૂલાઈમાં સરકારની એક અરજી ફગાવી દીધી હતી. અને, ફરજ પરથી સરકાર દ્વારા દૂર કરવામાં આવેલાં પોલીસકર્મીઓને તત્કાલ પેન્શન ચૂકવી આપવા પણ આદેશ કરેલો. આમ છતાં આ પોલીસકર્મીઓનું પેન્શન અટકાવવામાં આવેલું. અદાલતના આદેશનું પાલન ન થતાં અરજદારોએ સરકારી વિભાગો અને અધિકારીઓ વિરુદ્ધ અદાલતના તિરસ્કારની પણ અદાલતમાં અરજી દાખલ કરી હતી.
વડી અદાલતે આ મામલાની ગંભીર નોંધ લીધી, ઉગ્ર નારાજગીઓ વ્યક્ત કરી અને સાથે જ ટકોર કરી કે, તમારાં જ વિભાગના કર્મચારીઓએ પોતાના પેન્શન લાભો મેળવવા તમારી સામે કોર્ટના પગથિયાં ચઢવા પડે તે શરમજનક કહેવાય. અદાલતે આ કેસમાં ગૃહ વિભાગના અધિક મુખ્ય સચિવ મુકેશ પુરી, હથિયારધારી વિભાગના અધિક DGP નરસિંહ કોમર, રાજ્યના પોલીસ વડા વિકાસ સહાય અને SRPFના ગ્રુપ કમાન્ડન્ટ ઋષિકેશ ઉપાધ્યાયને અદાલતના તિરસ્કાર બદલ વ્યક્તિગત રીતે જવાબદાર શા માટે ન ઠેરવવા ? અને સજા શા માટે ન આપવી ? એવા ખુલાસા કરવા મુદ્દે નોટિસ આપી છે. આ નોટિસના જવાબ 22 એપ્રિલ સુધીમાં આપવા કહેવાયું છે.
આ કેસના અરજદારો અગાઉ SRPFમાં કોન્સ્ટેબલ હતાં. તેઓને બનાવટી પ્રમાણપત્રો રજૂ કરવાના એક કેસમાં સજા થયા બાદ, સરકારે આ કર્મચારીઓને નોકરી પરથી ફરજિયાત નિવૃત કરી દીધાં હતાં. અરજદારોએ એવી રજૂઆત કરેલી કે ઉપરોકત કથિત ગેરરીતિઓ અંગે તેઓને જેતે સમયે સજા થયેલી. ફરજિયાત નિવૃત કરવાની ડબલ સજા શા માટે ? એવો પ્રશ્ન ઉઠ્યો. અદાલતે ફરજિયાત નિવૃતિનો આ હુકમ રદ્દ કર્યો. અને કર્મચારીઓને તમામ લાભો આપવા પણ આદેશ કર્યો. અગાઉના હુકમના અનાદર બદલ તમોને શા માટે જેલસજા ન કરવી ?અને આ સુનાવણીઓ દરમિયાન તમોને દૈનિક ધોરણે શા માટે રૂબરૂ ન બોલાવવા ? એ અંગે ખુલાસાઓ કરવા પણ અદાલતે આ ઉચ્ચ અધિકારીઓને, આ કેસમાં કહ્યું છે.