Mysamachar.in:અમદાવાદ
વકીલાતનો વ્યવસાય વધુ પાવરફુલ બને અને સાથેસાથે વકીલો વધુ કાર્યક્ષમ અને બાહોશ બને તે માટે વડી અદાલત ઇચ્છી રહી છે કે, બાર કાઉન્સિલ વકીલોને સતત તાલીમ આપે અને આ કામગીરીમાં સરકાર પણ સક્રિય ભૂમિકા ભજવે એવું હાઈકોર્ટ ઇચ્છે છે. વડી અદાલતે સોમવારે ગુજરાત બાર કાઉન્સિલને કહ્યું છે કે, વકીલોને કોર્ટરૂમ એટીકેટ, સૌજન્યશીલ વર્તન અને કામનાં સ્થળે ડેકોરમ જાળવવા સંબંધે કાઉન્સિલ દ્વારા વકીલોને તાલીમ આપવા સંબંધે શું શું કાર્યક્રમો કાઉન્સિલે યોજયા છે ? હાઈકોર્ટનાં કાર્યકારી મુખ્ય ન્યાયમૂર્તિ એ.જે.દેસાઈ તથા ન્યાયમૂર્તિ બિરેન વૈષ્ણવની બેન્ચે વકીલોની તાલીમ અંગેની આ તમામ વિગતો માંગી છે. વર્ષ 2020માં આ સંદર્ભે વડી અદાલતે જરૂરી નિર્દેશો આપ્યા હતાં. ત્યારબાદ આ નિર્દેશ સંબંધે કાઉન્સિલ દ્વારા વકીલોને આપવામાં આવેલી તાલીમ અંગેની વિગતો કાઉન્સિલ પાસે માંગી છે.
અત્રે ઉલ્લેખનીય છે કે, 2019માં વડી અદાલતે સુનાવણી દરમિયાન અયોગ્ય વર્તન બદલ એક વકીલને રૂ.10,000નો દંડ કર્યો હતો. ત્યારબાદ હાઈકોર્ટમાં આ મુદ્દો સુઓમોટો દ્વારા આવ્યો હતો. અને વકીલોને તાલીમની વાત ચર્ચામાં આવી હતી. આ અંગેની સુઓમોટો જાહેર હિતની અરજી 2019માં દાખલ થયેલી. અને, 2020માં આ સંદર્ભે વડી અદાલતે નિર્દેશ આપ્યા હતાં. ત્રણ વર્ષ પછી, કાલે સોમવારે આ અરજીની સુનાવણી આગળ વધી હતી. હાઈકોર્ટમાં સોમવારે એમ કહેવાયું છે કે, વકીલાતના વ્યવસાયની ગરિમા જાળવી રાખવા તેમજ પ્રતિષ્ઠા વધારવા સરકાર તથા બાર કાઉન્સિલને વકીલોની આ તાલીમ અંગે જરૂરી નિર્દેશ આપવાનું અદાલતને આવશ્યક લાગે છે.