Mysamachar.in:અમદાવાદ
ઘણાં બધાં લોકો વચ્ચે મિલ્કતો સંબંધિત વિવાદો ચાલતાં હોય છે. આ પ્રકારના વિવાદોમાં ફોજદારી કાર્યવાહી ઇચ્છવા યોગ્ય નથી હોતી, આમ છતાં કેટલાંક કેસમાં થતી હોય છે જેને કારણે પ્રશ્નો ઉભાં થતાં હોય છે. આ પ્રકારનો એક કેસ તાજેતરમાં હાઈકોર્ટમાં પહોંચ્યો હતો જેમાં વડી અદાલતે આરોપીને જામીનમુકત કર્યો છે.
અમદાવાદનાં નરોડા પોલીસ મથકમાં આ કેસ નોંધાયો છે. રૂ.72 લાખની એક મિલ્કત સંબંધે બે પક્ષકારો વચ્ચે વિવાદ થયો હતો. મામલો સ્ટેમ્પ ડયૂટીના ચૂકવણાં અંગેનો હતો. આ મામલો સંપૂર્ણ રીતે સિવિલ હોવાં છતાં સ્થાનિક પોલીસે ફરિયાદના આધારે આરોપીની ધરપકડ કરી લીધી હતી. વડી અદાલતે કહ્યું જે મામલામાં 7 વર્ષથી ઓછી સજાની જોગવાઈ હોય તેમાં ધરપકડ ન કરવી એવી સુપ્રિમ કોર્ટની ગાઈડલાઈન છે છતાં નરોડા પીએસઆઇ દ્વારા આરોપીની ધરપકડ કરી લેવામાં આવી હતી. તેથી વડી અદાલતે ડેપ્યુટી પોલીસ કમિશનરને જણાવ્યું કે, આ પોલીસ અધિકારી વિરુદ્ધ કાર્યવાહી કરવામાં આવે.
આ કેસમાં વડી અદાલતે મહેસૂલી તંત્રને પણ કહ્યું છે કે, આ વિવાદમાં જે વ્યક્તિએ સ્ટેમ્પ ડયૂટી ચોરી કરી હોય તેની પાસેથી ડયૂટી વસૂલવામાં આવે. વડી અદાલતે આવકવેરા વિભાગને પણ કહ્યું કે, આ ડયૂટીની વસૂલાત માટે કસૂરવાર વિરુદ્ધ ઠોસ કાર્યવાહી કરવામાં આવે. રૂ.72 લાખની એક પ્રોપર્ટીનો સોદો આ કેસમાં 100 રુપિયાના સ્ટેમ્પ પેપર પર કરવામાં આવેલો અને ડયૂટી ચોરી કરવામાં આવેલી. બાદમાં બંને પક્ષકારો વચ્ચે ડયૂટી સંબંધે વિવાદ થતાં આ મામલો પોલીસમાં પહોંચ્યો હતો, પોલીસે આરોપીની ધરપકડ કરી હતી પરંતુ વડી અદાલત દ્વારા આ આરોપીને જામીન ઉપર મુક્ત કરવામાં આવ્યો છે. અદાલતે એમ પણ કહ્યું કે, આ પ્રકારની પોલીસ ફરિયાદને કારણે પ્રશ્નો ઉભા થાય છે. ખરેખર આ મામલો ક્રિમિનલ છે જ નહીં, સિવિલ મેટર છે. પોલીસે FIR દાખલ કરતાં પહેલાં વિચારવું જોઈએ.