Mysamachar.in:અમદાવાદ
મકાનો સહિતની ઈમારતોનાં નિર્માણ અને આ પ્રકારનાં પ્રોજેક્ટમાં મિલ્કતો ખરીદનાર વર્ગનાં હિતોનાં રક્ષણ માટે સરકારે RERA ઓથોરિટીની રચના કરી છે પરંતુ આ વ્યવસ્થા સારી રીતે ચાલી શકે તે માટે જરૂરી નિર્ણયો લેવાની બાબતોમાં રાજય સરકાર અક્ષમ્ય વિલંબ કરતી હોય, હાઈકોર્ટ વધુ એક વખત ખફા થઈ છે અને અદાલતે સરકારની વધુ એક વખત ઝાટકણી કાઢી છે. અને આ ક્ષેત્રમાં ખાલી જગ્યાઓ તાકીદે ભરવા કડક આદેશ આપ્યો છે.
RERA ઓથોરિટી તથા RERA ટ્રિબ્યુનલમાં આવશ્યક પદો ખાલી હોવાથી અદાલત ખૂબ જ નારાજ છે. એક તરફ સરકારે આ ક્ષેત્રમાં ટ્રિબ્યુનલની રચના કરી આ ક્ષેત્રનાં વાંધાઓને અદાલતમાં જતાં અટકાવ્યા છે. બીજી તરફ સરકાર ખુદ ટ્રિબ્યુનલમાં જરૂરી પદો પર સંબંધિત વડાઑની નિયુક્તિ ન કરતી હોય, RERA સંબંધિત વિવાદોનાં ઉકેલમાં વિલંબ થઈ રહ્યો છે. જેને પરિણામે વાંધેદાર ગ્રાહકોને ન્યાય મળતો નથી. તેઓ લાચાર સ્થિતિમાં મૂકાઈ ગયા છે. તેથી વડી અદાલતે કડક શબ્દોમાં સરકારને કહ્યું કે, આ પ્રકારનાં અરજદારોને સરકારે ભગવાનભરોસે છોડી દીધાં છે, લોકો પાસે ન્યાય મેળવવા કોઈ ઉપાય જ નથી !
અત્રે ઉલ્લેખનિય છે કે, RERA ઓથોરિટીમાં સરકાર લાંબા સમયથી સભ્યોની નિમણુંક કરતી નથી અને RERA ટ્રિબ્યુનલમાં સરકાર ચેરપર્સનની નિયુક્તિ લાંબા સમયથી કરી રહી નથી. તેથી વધુ એક વખત વડી અદાલતે સરકાર પ્રત્યેની આ બાબતની નારાજગીઓ વ્યક્ત કરી છે અને સરકારને નિયુક્તિમાં વિલંબ ટાળવા કડક સૂચનાઓ આપી છે.
વડી અદાલતે કહ્યું કે, સરકાર આ ક્ષેત્રમાં નિયુક્તિઓ ટાળી શકે નહીં. આ ઓથોરિટી અને ટ્રિબ્યુનલમાં ખાલી જગ્યાઓ રાખીને સરકારે લોકોને ઉપાય વિનાનાં કરી નાંખ્યા. લોકો ન્યાય મેળવવા કયાં જાય ?! સરકારે લાંબા સમય બાદ RERA માં ચેર પર્સનની નિયુક્તિ કરી પરંતુ સભ્યોના પદો ખાલી છે. અને RERA ટ્રિબ્યુનલમાં ચેર પર્સનની જગ્યા ખાલી છે ! અત્રે ઉલ્લેખનિય છે કે, સરકારે 2021માં હાઈકોર્ટને ખાતરી આપી હતી કે, ખાલી પદો તાત્કાલિક ભરવામાં આવશે. 2023માં આ મામલો હજુ હાઈકોર્ટમાં છે. સરકારે આ પદો પર નિયુક્તિઓ માટે અદાલત સમક્ષ સમય માંગ્યો હતો પરંતુ અદાલતે વધુ સમય આપવાનો ઇનકાર કરી કહ્યું છે કે, ખાલી પદો તાકીદે ભરવામાં આવે. અને વડી અદાલતે આ મામલાની વધુ સુનાવણી આગામી પાંચમી સપ્ટેમ્બરે નિશ્ચિત કરી છે.