Mysamachar.in:અમદાવાદ
રાજયની વડી અદાલતમાં કાલે સોમવારે માંસની ગેરકાયદે દુકાનો તથા નિયમભંગ કરીને ચાલતાં કતલખાનાઓ અંગેની જાહેર હિતની એક અરજીની સુનાવણી દરમિયાન હેલ્મેટ અંગે પણ અદાલતે કડક ટિપ્પણી કરી. હાઈકોર્ટે કહ્યું : ઘણી બધી બાબતો એવી છે જેનાં પર રાજય સરકાર કશું જ કામ કરતી નથી. જરૂરી કાર્યવાહી કરતી નથી. દાખલા તરીકે, રાજ્યમાં સર્વત્ર ટુ વ્હીલરચાલકો હેલ્મેટ ધારણ કર્યા વિના વાહન ચલાવે છે. આ મુદ્દે અદાલતે સરકારને વારંવાર સૂચનાઓ પણ આપેલી છે જ. હેલ્મેટનાં કાયદાનું પાલન ફરજિયાત નથી ?! એવો પ્રશ્ન પૂછી, અદાલતે કહ્યું: આ માટે અમારે, અદાલતે સુઓમોટો PIL ચલાવવી જોઈએ ?!
હાઈકોર્ટે કહ્યું: ટુ વ્હીલર વાહનચાલકો તથા વાહનમાં પાછળ બેઠેલી વ્યક્તિએ હેલ્મેટ ધારણ કરવી ફરજિયાત હોવા છતાં કોઈ હેલ્મેટ ધારણ કરતું નથી ! આ અંગેનાં કેસો કેટલાં થયાં ? આંકડાઓ લાવો. ગત્ વર્ષે પણ અદાલતે બે વખત સરકારને આ મુદ્દે ટકોર કરી હતી. ખુલાસાઓ પણ માંગ્યા હતા. આમ છતાં, હેલ્મેટના આ કાયદાનાં અમલની દિશામાં સરકાર ઉદાસીન જોવા મળી રહી છે.
વર્ષ 2004માં ગુજરાત સરકારે હેલ્મેટ ફરજિયાત અંગે કાયદો બનાવ્યા પછી, અદાલતે આ કાયદાનાં સખત અમલ માટે 2006ની સાલમાં આકરાં શબ્દોમાં સૂચનાઓ આપી હતી. ત્યારબાદ રાજ્ય સરકારે આ કાયદાને 2019માં હળવો કરવા પણ પ્રયાસ કર્યો હતો. ટુ વ્હીલર પર પાછળ બેઠેલી વ્યક્તિને હેલ્મેટ ધારણ કરવામાંથી બાકાત કરવા રાજ્ય સરકારે જાહેરાત પણ કરેલી પરંતુ ત્યારે પણ વડી અદાલતે કડક વલણ અખત્યાર કરતાં સરકારે યુ-ટર્ન લીધો હતો અને આ જાહેરાત ફેરવી તોળી હતી. ત્યારબાદ ચાર વર્ષે ફરીથી હેલ્મેટ મુદ્દો વડી અદાલતમાં ગૂંજતો થયો. વડી અદાલત આ વખતે જાહેર હિતની સુઓમોટો અરજી દાખલ કરશે, એવું દેખાઈ રહ્યું છે. અથવા, એવું પણ બની શકે છે કે, વડી અદાલતે કરેલી આ ટિપ્પણી પછી હવે આગામી સમયમાં રાજ્યભરમાં હેલ્મેટ ઝુંબેશ ફરી શરૂ કરવામાં આવે.