Mysamachar.in-અમદાવાદ:
જામનગરમાં એક લોકેશન છે. જયાં દરરોજ સાંજે સાડા છ વાગ્યા આસપાસ ત્રણ છોકરાંઓ, સાઈડમાં પાર્ક કરેલાં ત્રણ બાઈક પર અવ્યવસ્થિત રીતે જાહેરમાં બેઠાં હોય છે. તેઓ સતત મોબાઇલમાં વ્યસ્ત હોય છે. તેઓ મોબાઇલમાં શું જોઈ રહ્યા હોય છે, તે પણ તપાસનો વિષય છે. તેઓ અંદરોઅંદર ખુશીઓ વ્યક્ત કરતાં હોય છે. તેઓ મેડિકલ કોલેજના દરવાજાથી બહાર આવતાં ડાબી બાજુએ રોડ સાઈડ મોચીની નજીક અડો જમાવી બેઠાં હોય છે. સારી ભાષામાં તેઓ ટ્રાફિક બ્રિગેડના જવાનો છે. હકીકતમાં તેઓ પ્રજાની તિજોરી પરનો ‘બોજ’ છે, કેમ કે આ સમયે મેડિકલ કોલેજ ગેઈટ તથા હનુમાનગેઈટ પોલીસચોકી વચ્ચેના ચોકમાં સેંકડો વાહનચાલકો આડાંઅવળા અટવાતાં હોય છે- દરરોજ ! ટ્રાફિક PI કે SP કદાચ આ બાબતથી અજાણ હશે. પરંતુ રાજયની વડી અદાલતના મુખ્ય ન્યાયમૂર્તિ આ પ્રકારની બાબતો જાણે છે ! તેઓ અદાલતમાં આ બોલ્યા પણ છે.
વડી અદાલતે રાજય સરકારને સૂચના આપી છે કે, આ TRB (ટ્રાફિક રેગ્યુલેશન બ્રિગેડ)ના વોલન્ટિયરની ફરજો શું શું હોય છે .? તે અંગેની સંપૂર્ણ વિગતો રાજયભરમાં લોકોની જાણકારીઓ માટે મૂકો. આ ઉપરાંત પોલીસ વિરુદ્ધ કોઈ પણ નાગરિક ફરિયાદ કરવા ઈચ્છે તો તે માટે લોકોની જાણ માટે પોલીસ સ્ટેશન સહિતના તમામ જાહેર સ્થળોએ હેલ્પલાઇન નંબર લખો. મુખ્ય ન્યાયમૂર્તિ સુનિતા અગ્રવાલ અને ન્યાયમૂર્તિ અનિરુદ્ધા મયીની ખંડપીઠ જાહેર હિતની એક અરજીની સુનાવણી કરી રહી હતી ત્યારે સરકારને આ સૂચનાઓ આપી. જાહેર હિતની આ અરજીનો વિષય- અમદાવાદનો પોલીસ તોડકાંડ (ઓગણજ) હતો. જેમાં બે પોલીસકર્મીઓ સસ્પેન્ડ થયેલાં છે અને એક TRB જવાનને ઘરે બેસાડી દેવામાં આવ્યો છે.
અત્રે ઉલ્લેખનિય છે કે, રાજકોટ અને સુરત સહિતના શહેરોમાં TRBના આ છોકરાંઓ પોલીસ વતી વાહનચાલકો પાસેથી છડેચોક અને નિયમિત રીતે ઉઘરાણાં કરતાં હોય એવા ઘણાં વીડિયોઝ હાલ વાયરલ પણ છે. પોલીસ તોડકાંડ સમગ્ર રાજયમાં ચર્ચાઓનો મુખ્ય વિષય બની ગયો છે ! સરકારે અદાલતમાં કહ્યું, TRB વોલન્ટિયર પોલીસની માત્ર મદદ માટે જ છે.
ત્યારે મુખ્ય ન્યાયમૂર્તિએ કહ્યું: લોકોને જાણ કરો કે, ઈન્ડસ્ટ્રીયલ હેલ્મેટ, વ્હાઇટ શર્ટ, નેવી બ્લ્યુ પેન્ટ અને કાળા શૂઝ પહેરેલાં આ લોકો- કોઈ પણ વાહનચાલકને રોકી શકે નહીં, વાહનચાલકને કે વાહનને ચેક કરી શકે નહીં, કે રોડ પર આંતરી શકે નહીં, વાહનચાલકનો પીછો કરી પકડી શકે નહીં. મુખ્ય ન્યાયમૂર્તિએ એમ પણ કહ્યું: સરકાર લોકોને એ પણ જાણ કરે કે, જો આ વોલન્ટિયર વાહનચાલક સાથે આમાંની કોઈ પણ હરકત કરે તો વાહનચાલક તે વોલન્ટિયર વિરુદ્ધ ફરિયાદ નોંધાવી શકે અને આ ફરિયાદ નોંધાવવા માટેનો હેલ્પલાઇન નંબર પણ લોકોની જાણમાં મૂકો. મુખ્ય ન્યાયમૂર્તિએ એમ પણ કહ્યું કે, ટ્રાફિક જંક્શન પર મૂકવામાં આવતાં આ વોલન્ટિયર આખો દિવસ મોબાઇલ પર વ્યસ્ત હોય છે.